પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નર્મદા નદી તટે વિંધ્યાચળ અને સાતપુડાની ગિરી કંદરાઓના સાનિધ્યમાં ગુજરાતના કેવડીયા કોલોની પાસે વિશ્વની ઊંચામાં ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા રાષ્ટ્રને સમર્પિત કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇતિહાસના સૂવર્ણપૃષ્ઠને ઉજાગર કરતાં કહ્યું હતું કે, ભારતે ભવિષ્યની પેઢીને એકતા-અખંડતાની પ્રેરણા મળતી રહે તે માટે ગગનચુંબી આધાર તૈયાર કર્યો છે. સરદાર વલ્લભભાઈ પટેલની આ પ્રતિમા સરદારના પ્રણ, પ્રતિભા, પુરૂષાર્થ અને પરમાર્થની ભાવનાનું જીવતું જાગતું પ્રગટીકરણ છે. રાષ્ટ્રીય એકતા પ્રતિ સમર્પણ અને ભારત ભક્તિની તાકાતથી મનમાં મિશન સાથે ગુજરાતે આ કામ ઐતિહાસિક સમયમાં પૂર્ણ કર્યું છે. આ સ્મારક કરોડો ભારતીયોના સન્માન અને સેંકડો દેશવાસીઓના સામર્થ્યનું પ્રતિક છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી દેશની અર્થ વ્યવસ્થા અને રોજગાર નિર્માણ માટે મહત્વનું સ્થાન બની રહેશે એટલું જ નહીં, આ વિસ્તારના હજ્જારો આદિવાસીઓના જનજીવન બહેતર બનાવીને પરિવર્તન આણનારૂં એકતાનું તિર્થસ્થાન બની રહેશે. મુખ્યમંચ ખાતેથી લીવર દ્વારા પ્રધાનમંત્રીએ વર્ચ્યુઅલી રાષ્ટ્રાર્પણ વિધિ સંપન્ન કરી હતી. ભારતભક્તિની ભાવનાના બળે જ હજ્જારો વર્ષોથી ભારતની સભ્યતા વિકસી રહી છે. દેશમાં જયારે જયારે આવા અવસરો આવે છે ત્યારે પૂર્ણતાનો અહેસાસ થાય છે, એમ કહીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આજે એવી ઐતિહાસિક ક્ષણ આવી છે, જેને મિટાવવી મુશ્કેલ છે. ભારત રાષ્ટ્રના ઇતિહાસમાં આ અત્યંત મહત્વની ક્ષણ હંમેશા માટે અંકિત થઇ જશે. નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીના રાષ્ટ્રાર્પણના ઐતિહાસિક અવસરે તમામ ગુજરાતીઓને, ભારત દેશવાસીઓને અને હિન્દુસ્તાનને પ્રેમ કરતા હર કોઇને અભિનંદન પાઠવ્યા હતા.
ભારતની એકતા માટે સમર્પિત વિરાટ વ્યક્તિત્વને આઝાદીથી અત્યાર સુધીમાં યોગ્ય સ્થાન નહોતું મળ્યું, એટલે સતત અધુરપનો અહેસાસ થતો હતો, એમ કહીને નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, આજે સરદાર વલ્લભભાઈ પટેલ જેવા વિરાટ વ્યક્તિત્વને યોગ્ય સ્થાન આપીને ઇતિહાસના સ્વર્ણિમ પૃષ્ઠને ઉજાગર કરવાનું કામ થયું છે.
આજે ધરતીથી લઇને આસમાન સુધી સરદાર પટેલ પર અભિષેક થઇ રહ્યો છે. વિશ્વની ઊંચામાં ઊંચી પ્રતિમાનું નિર્માણ કરીને ભારતે ઇતિહાસ તો સજર્યો જ છે. આવનારી પેઢીને ભવિષ્યમાં પ્રેરણા મળતી રહે તે માટેનો ગગનચુંબી આધાર તૈયાર કર્યો છે. સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વમાં ઊંચામાં ઊંચી પ્રતિમા રાષ્ટ્રને સમર્પિત કરવાનો અવસર મળ્યો તેને પોતાનું સૌભાગ્ય ગણાવતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જયારે મેં આ મહાન પ્રતિમાના નિર્માણની કલ્પના કરી હતી ત્યારે મને અહેસાસ નો‘તો કે આ પ્રતિમાનું પ્રધાન મંત્રી તરીકે રાષ્ટ્રાર્પણ કરવાની પણ મને તક મળશે. આ ઐતિહાસિક અને અમૂલ્ય તકને હું દેશના કોટિ-કોટિ જનતાના આશીર્વાદ માનું છું, ધન્યતા અનુભવું છું અને આ માટે ગુજરાતની જનતાનો આભારી છું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતની જનતા વતી આપેલા અભિનંદન પત્રને-સન્માનપત્રને આશીર્વાદ તરીકે સ્વીકારીને તેમણે કહ્યું કે, જેમ મા પોતાના બાળકની પીઠ પર હાથ રાખે તો બાળકની તાકાત, ઉત્સાહ અને ઊર્જા હજ્જાર ગણી વધી જતી હોય છે. આજે ગુજરાતની જનતાએ આપેલા સન્માનપત્રમાં હું એ આશીર્વાદની અનુભૂતિ કરી રહ્યો છું. સરદાર વલ્લભભાઈ પટેલની આ પ્રતિમાને સાહસ, સામર્થ્ય અને અખંડ ભારતના સંકલ્પની સતત યાદ અપાવતી રહેશે એમ કહીને નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, દેશના લાખો ગામોના કરોડો કિસાન પરિવારોએ આ પ્રતિમાના નિર્માણને જન આંદોલન બનાવ્યું હતું. સેંકડો મેટ્રીક ટન લોખંડ કિસાનોએ આપ્યું છે, જે આ પ્રતિમાના પાયામાં છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી તરફથી સ્મૃતિભેટ તરીકે પ્રાપ્ત લોહા અભિયાન અંતર્ગત ઝારખંડના ખેડૂત તરફથી મળેલો લોખંડનો હથોડો, અભિયાનના આરંભ વખતે અપાયેલો ફલેગ સ્ટેચ્યૂ ઓફ યુનિટીના મ્યુઝીયમમાં જ રાખવાનો તેમણે અનુરોધ કર્યો હતો. સરદાર વલ્લભભાઈ પટેલે ભારતના ભવિષ્ય સામે દુનિયાએ સેવેલી ચિંતાને દૂર કરી દીધી હતી. આ માટે સરદારને શત શત નમન કરતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ભારતના ૫૫૦થી વધુ રજવાડાને કારણે સમગ્ર દુનિયામાં ભારતના ભાવિ પ્રત્યે ઘોર નિરાશા હતી. નિરાશાવાદીઓ એ યુગમાં પણ હતા. લોકોને હતું કે, વિવિધતાને કારણે ભારત વિખેરાઇ જશે પરંતુ સરદાર વલ્લભભાઈ પટેલમાં કૌટિલ્યની ફૂટનીતિ અને શિવાજી મહારાજના શૌર્યનો સમન્વય હતો. ૮મી જુલાઇ, ૧૯૪૭ના રોજ વલ્લભભાઈ પટેલે આપેલા વક્તવ્યની યાદ તાજી કરતાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, તેમના આહવાન પર સેંકડો રાજાઓ એક થઇ ગયા. ભારત એક થઇ ગયું. રાજા-રજવાડાઓના ત્યાગ અને બલિદાનને પણ સતત સ્મૃતિમાં રાખવા તેમણે સ્ટેચ્યૂ ઓફ યુનિટી પાસે જ ૫૫૦ રજવાડાઓના વિલીનીકરણની યાદ અપાવતું મ્યુઝીયમ બનાવવાનો અનુરોધ કર્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે, રાજાઓએ પોતાના પૂર્વજોની અમૂલ્ય ધરોહર દેશને સમર્પિત કરી દીધી. આપણે એમના આ સમર્પણને કયારેય ભૂલી ન શકીએ. ટીકાઓને તાકાત બનાવીને સરદાર વલ્લભભાઈ પટેલે હંમેશા દેશને રાહ દેખાડયો છે એનું સ્મરણ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આજે ભારત આખી દુનિયા સાથે પોતાની શરતે સંવાદ કરી રહ્યો છે. દુનિયાની આર્થિક અને સામાજિક શક્તિ બનવા તરફ ભારત પ્રયાણ કરી રહ્યું છે. આ તાકાતની પાછળ એક સાધારણ કિસાનના પરિવારમાં જન્મેલા અસાધારણ સરદાર વલ્લભભાઈ પટેલની મોટી ભૂમિકા રહેલી છે. કચ્છથી કોહીમા અને કારગિલથી કન્યાકુમારી સુધી આપણે બેરોકટોક જઇ શકતા હોઇએ તો તે સરદાર પટેલના સંકલ્પથી જ શકય બન્યું છે. જો તેમણે સંકલ્પ ન લીધો હોત તો આજે ગિરના સિંહને જોવા, શિવભક્તોને સોમનાથ મહાદેવના દર્શન કરવા અને હૈદરાબાદના ચાર મિનાર જોવા હિન્દુસ્તાનીઓએ વિઝા લેવા પડતા હોત. કાશ્મિરથી કન્યાકુમારી સુધીની ટ્રેનની કલ્પના પણ થઇ શકી ન હોત. ઇન્ડિયન સિવિલ સર્વિસમાં કયાંય કશું ઇન્ડિયન, કંઇ સિવિલ કે કોઇ જ સર્વિસ નથી એવું વક્તવ્ય સરદાર વલ્લભભાઈ પટેલે ૧૯૪૭માં ર૧મી એપ્રિલે આપ્યું હતું એનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલે તે વખતે દેશના યુવાનોને આ સ્થિતિ બદલવા આહવાન કર્યું હતું. ભારતીય પ્રશાસનિક સેવાનું ગૌરવ વધારવામાં, તેના નવનિર્માણમાં અને પારદર્શીતા સાથેના ઇમાનદારીપૂર્વકની વહીવટી સેવા પ્રસ્થાપિત કરવામાં તેમનું મોટું યોગદાન હતું. તેઓ સામાન્ય જનને લોકતંત્ર સાથે જોડવાના કામમાં સતત સમર્પિત રહ્યા. ભારતની રાજનીતિમાં મહિલાઓના સક્રિય યોગદાન માટે મોટું શ્રેય સરદાર વલ્લભભાઈ પટેલને જાય છે. આ પ્રતિમા માત્ર વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા નથી પરંતુ વૈશ્વિક પ્રતિભા, પૂરૂષાર્થ અને પરમાર્થની ભાવનાનું જીવતું જાગતુ પ્રગટિકરણ છે. એવું દ્રઢતાપૂર્વક જણાવતા પ્રધાનમંત્રી મોદીએ ઉમેર્યું હતું કે, આ પ્રતિમા દેશના સપૂતોના સામર્થ્ય અને સમર્પણનું સન્માન છે. નૂતન ભારતના નિર્માણ માટેના નૂતન આત્મવિશ્વાસની અભિવ્યક્તિનો આલેખ આ પ્રતિમા છે. આઝાદી સમયે ભારતના અસ્તિત્વ સામે સવાલ કરનારા લોકોને સરદાર પટેલે દેશની એકતા અને અખંડતાના મંત્ર દ્વારા જવાબ આપ્યો હતો. ત્યારે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી ભારત રાષ્ટ્ર શાશ્વત હતુ શાશ્વત છે અને શાશ્વત રહેશે, તેવો સંદેશો આવા નિરાશાવાદી લોકોને આપશે. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે આ પ્રતિમાના નિર્માણમાં દેશભરના ગામગામથી લવાયેલી ખેતરોની માટી અને કિસાનોના વપરાયેલા ઓજારાના યોગદાનને યાદ કરી જણાવ્યું હતું કે, કિસાનોની ભાવના આ પ્રતિમાનો આત્મા છે. દેશના વિકાસમાં આદિવાસી બાંધવોની કર્મગાથાને પ્રસ્તુત કરતી આ શાશ્વત પ્રતિકૃતિ છે.