જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી છે તે ભારતના લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે વિશ્વની સૌથી ઉંચી ૧૮૨ મીટરની વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનુ આજે લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. સરદાર પટેલની ૧૪૩મી જન્મજ્યંતિના પ્રસંગે તેમની વિરાટ પ્રતિમાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન મોદી બે દિવસની ગુજરાત યાત્રાએ ગઇકાલે મોડી રાત્રે અમદાવાદ પહોંચ્યા હતા. અમદાવાદમાં રાત્રિ રોકાણ કર્યા બાદ આજે સવારે અમદાવાદથી વિમાનીમાર્ગ મારફતે નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે પહોંચ્યા હતા. કેવડિયાથી સીધી રીતે ફુલોની ખીણ વેલી ઓફ ફ્લાવર અને ટેન્ટ સિટી પહોંચ્યા હતા. સરદારના જીવન પર નિર્મિત મ્યુઝિયમનુ ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યુ હતુ. લોકાર્પણ પ્રસંગે દેશભરના ૨૯ રાજ્યો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોના કલાકારો દ્વારા ભવ્યાતિભવ્ય રંગારંગ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. સાથે-સાથે આર્મ ફોર્સિસ, પેરા મીલીટરી ફોર્સિસ અને રાજ્ય પોલીસ દ્વારા વિવિધ સાંસ્કૃત્તિક કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજ્યંતિ પ્રસંગે આ ઐતિહાસિક લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નર્મદા જિલ્લામાં કેવડિયાની નજીક સાધુબેટ નજીક વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાનું આજે સવારે ૧૦.૩૦ વાગે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી સરદાર પટેલની જ્યંતિના અવસર પર ઐતિહાસિક યાદ તાજી થઇ હતી. આની સાથે સાથે સરદાર સરોવર બંધ હવે દુનિયાના નક્શા ઉપર પ્રવાસીઓ માટે લોકપ્રિય થઇ ગયું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની સાથે સાથે મોદીએ વેલી ઓફ ફ્લાવર, વોલ ઓફ યુનિટી, એક ભારત શ્રેષ્ઠ ભારત ભવન, સરદાર મ્યુઝિયમ અને અન્ય કાર્યક્રમોનું નિરીક્ષણ કરીને લોકાર્પણ કર્યા હતા. વડાપ્રધાન સહિત શ્રેણીબદ્ધ વીઆઈપી લોકો કાર્યક્રમવેળા ઉપસ્થિત રહ્યા હતા. ૫૦૦૦થી પણ વધુ સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ૩૩ રાજ્યોના કલાકારો રંગારંગ કાર્યક્રમ રજૂ કરીને તમામના મન જીતવામાં સફળ રહ્યા હતા. ગુજરાત પોલીસના જવાનો પણ જુદા જુદા કાર્યક્રમો રજૂ કરીને તમામને રોમાંચિત કરવામાં સફળ રહ્યા હતા. સુર્યકિરણ અને જગુઆર વિમાન મારફતે પ્રતિમાને સલામી આપવામાં આવી હતી. એ વખતે તમામ ભારતીયો ગૌરવની ભાવનાથી ભરાઈ ગયા હતા. સૂર્યકિરણ વિમાને આસમાનમાં તિરંગાની રચના કરી હતી. ત્રણેય હેલિકોપ્ટરથી પ્રતિમા પર ફુલોનો વરસાદ કરવામાં આવ્યો હતો. પોલીસ બેન્ડ દ્વારા તમામ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના ભાગરુપે ૩૦ નદીઓમાંથી જળ સ્ટેચ્યુ ઓફ યુનિટીના સ્થળે લાવવામાં આવ્યા બાદ મંત્રોચ્ચારની સાથે સરદાર પટેલની પ્રતિમા ઉપર જળાભિષેકની વિધિ યોજવામાં આવી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી ભારત માટે જ નહીં બલ્કે વિશ્વ માટે એક દાખલા સમાન બની ગઇ છે. આની અનેક વિશેષતા રહેલી છે જેના ભાગરુપે પ્રચંડ ભૂકંપની સ્થિતિમાં પણ સરદાર સાહેબની પ્રતિમા અકબંધ રહેશે. આ પ્રતિમા પ્રચંડ વાવાઝોડું આવશે તો પણ અકબંધ રહેશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણમાં ૫૭૦૦ મેટ્રિક ટન સ્ટ્રક્ચરલ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ૨૨૫૦૦ મેટ્રિક ટન સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. માત્ર ૪૨ મહિનાના રેકોર્ડ ગાળામાં જ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે જે તમામ દેશોના એન્જિનિયરો માટે પણ એક દાખલા સમાન છે. સરદાર સરોવર બંધથી ૩.૫ કિમીના અંતરે તે સ્થિત છે. આના કારણે ૧૫૦૦૦ લોકોને પ્રત્યક્ષરીતે નોકરી મળશે. મુખ્ય શિલ્પકાર તરીકે આમા રામ સુથારની ભૂમિકા રહી છે. તેમનું આજે વિશેષરીતે બહુમાન કરવામાં આવ્યું હતું.