સૌરાષ્ટ્ર માર્કેટ યાર્ડમાં હડતાળ શરૂ : જુદી જુદી માંગણી કરાઈ

614

રાજય સરકાર દ્વારા અગાઉ ટેકાના ભાવે ખરીદીમાં થયેલા કૌભાંડો બાદ ખેડૂતોના હિતમાં તાત્કાલીક અસરથી ભાવાંતર યોજના લાગુ કરવાની માંગ કરવામાં આવી હતી. પરંતુ આ માટે ખેડૂતોએ આપેલો સમય પૂરો થતાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રના યાર્ડના વેપારીઓ આજે મેદાનમાં આવ્યા હતા અને તેમની માંગણીનું સરકાર દ્વારા નિરાકરણ નહી આવતા આખરે સૌરાષ્ટ્ર એપીએમસી વેપારી એસોસીએશને આંદોલનનું રણશીંગું ફૂંક્યું છે. જે અંતર્ગત આજથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડોમાં અચોક્કસ મુદ્દતની હડતાળ શરૂ કરવામાં આવી છે. જેને પગલે કરોડો રૂપિયાના વ્યવહારો અટકી પડયા છે. એક તરફ વેપારીઓ હડતાળ પર ઉતાર્યા છે. જ્યારે બીજી તરફ સરકારે ખેડૂતોની ખરીદી માટે નોંધણી શરૂ કરી છે. તા.૧ નવેમ્બરથી તા.૩૦ નવેમ્બર સુધી સરકાર નોંધણી કરશે. જેમાં તા.૧૫ નવેમ્બરથી સરકાર દ્વારા મગફળીની ખરીદી શરૂ કરાશે. આ ખરીદીમાં ગેરરીતિ અટકાવવા માટે સરકારે નવા નિયમો પણ બનાવ્યા છે. જો કે આજે પ્રથમ દિવસે નોંધણી કરાવવામાં ખેડૂતોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્‌યો હોવાનું જાણવા મળ્યું હતું.

સરકાર દ્વારા તા.૧૫ નવેમ્બરથી ટેકાના ભાવે મગફળીની ખરીદીની જાહેરાત કરાઇ છે. પરંતુ મોટાભાગના ખેડૂતોને ટેકાની ખરીદી પહેલા તેમનો માલ વેચી દેવો પડે છે અને ખેડૂતોને રાહત મળતી નથી. યાર્ડના વેપારી સંગઠનોએ ભાવાંતર યોજના લાગુ કરવાની માંગને સરકારે સાંભળી નહી હોઇઆજથી સૌરાષ્ટ્રના ૩૦ ઉપરાંત માર્કેટ યાર્ડમાં અચોકકસ મુદતની હડતાળ જાહેર કરાઇ હતી., જેના કારણે કરોડો રૂપીયાના વ્યવહારો અટકી પડયા હતા. ભાવાંતર યોજનાની અમલવારી કરવામાં સરકારની નકારાત્મકતાને લઈને સમગ્ર વેપારી વર્તુળમાં ઉગ્ર આક્રોશ  ફેલાયો છે. અન્ય રાજ્યોમાં સારી રીતે ચાલતી આ વ્યવસ્થાને ગુજરાતમાં અમલવારી માટે વેપારી સંગઠનો માંગ કરી રહ્યા છે, પરંતુ સરકારે આ યોજના માટે ચોક્કસ માળખું નહીં હોવાનું જણાવી યોજનાની અમલવારી નહીં કરવા સ્પસ્ટતા કરી છે. બીજી તરફ વેપારી સંગઠનોએ નવેમ્બરની પ્રથમ તારીખથી હડતાલની આપેલી ચીમકી પર અડગ રહ્યા હતા. આજે સમગ્ર સૌરાષ્ટ્રના યાર્ડમાં વેપારીઓને હડતાળ પાળી હતી. આ અંગે હાપા માર્કેટ યાર્ડના વેપારી એસો.ના પ્રમુખ જીતુભાઇએ જણાવ્યું હતું કે, ભાવાંતર યોજના અંગે અમે સરકારમાં રજૂઆત કરી હતી પરંતુ સરકારે અમને સાંભળ્યા ના હોઇ આજથી સમગ્ર સૌરાષ્ટ્રના ૨૫ યાર્ડ સહિત હાપા માર્કેટીંગ યાર્ડમાં હરાજીની કામગીરી બંધ રાખવામાં આવી છે.

યાર્ડના વેપારીઓના આંદોલનને પગલે અંદાજે રૂ.૭  કરોડથી વધુના વ્યવહારો અટકી પડયા હતા. જ્યારે આ હડતાલમાં ૨૫૦ થી વધુ વેપારીઓ જોડાયા હતા. એક બાજુ વેપારીઓ આંદોલનને પગલે હરાજીની કામગીરી ઠપ્પ છે તો બીજી બાજુ ટેકા ભાવ અંગે ઓનલાઇન રજીસ્ટ્રેશનને લઇને ખેડૂતોએ હોબાળો મચાવ્યો છે. ખેડૂતોએ જણાવ્યું કે, ટેકાના ભાવ માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાનું શરૂ છે. પરંતુ ઓનલાઇન રજીસ્ટ્રેશનમાં ખેડૂતો પાસેથી આધાર-પુરાવામાં તલાટીનો દાખલો માંગવામાં આવે છે. હાલ તલાટીઓ હળતાળ ઉપર છે તો ખેડૂતોને તલાટીનો દાખલો કોણ કાઢી આપે? તલાટીઓની હળતાળને પગલે ખેડૂતો પાસે તલાટીનો દાખલો ન હોવાથી અને ઓનલાઇન રજીસ્ટ્રેશનમાં તલાટીનો દાખલો માંગતા હોઇ ખેડૂતો દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. હડતાળને પગલે ખેડૂતો ટેકાના ભાવની ખરીદી મામલે પણ ચિંતામાં મૂકાયા હતા.

Previous articleમગફળી ખરીદી : ઓનલાઈન નોંધણીનો પ્રારંભ
Next articleવાઈબ્રન્ટ સમિટ ૧૭-૧૯ જાન્યુઆરીએ યોજાશે ફિક્કીની નેશનલ મિટિંગમાં રૂપાણીની જાહેરાત