જસ્ટિસ અકિલ કુરેશીની બદલીના વિરોધમાં આજે ગુજરાત હાઇકોર્ટમાં વકીલોએ સજ્જડ બંધ પાળ્યો હતો. ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસીએશન દ્વારા હડતાળના અપાયેલા એલાન અનુસંધાનમાં આજે લગભગ તમામ વકીલો કોર્ટ કામકાજથી અળગા રહ્યા હતા. મોટાભાગના વકીલો તો કોર્ટ પ્રાંગણમાં પ્રવેશ્યા ન હતા. તો ઘણા વકીલો હડતાળનો માહોલ જોઇ પરત ફરી ગયા હતા. હાઇકોર્ટના વકીલોએ આજે કોર્ટ કામગીરીથી અળગા રહી જસ્ટિસ અકીલ કુરેશીની બદલી સામે પોતાનો વિરોધ વ્યકત કર્યો હતો. બીજીબાજુ, ગુજરાત હાઈકોર્ટેના એકટીંગ ચીફ જસ્ટિસ તરીકે અનંત એસ દવેની જે નિયુક્તિ કરવામાં આવી હતી, તે બદલીને જસ્ટિસ અકીલ કુરેશીને એકટીંગ ચીફ જસ્ટિસ તરીકેનો પદભાર સોંપાયો હતો. જો કે, તેમની બદલીનો વિવાદ હજુ યથાવત્ હોઇ હાઇકોર્ટના વકીલોમાં ભારોભાર નારાજગી ફેલાયેલી છે. જસ્ટિસ અકિલ કુરેશીની બોમ્બે હાઈકોર્ટની બદલીનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. જસ્ટિસ અકિલ કુરેશીની બદલીથી વકીલો નારાજ છે અને આજથી અનિશ્ચિત મુદ્દતની હડતાળ પર ઉતરી ગયા છે. ગુજરાત હાઇકોર્ટમાં બીજા નંબરના સિનિયર જસ્ટિસ અકિલ કુરેશીની સુપ્રીમ કોર્ટના કોલેજિયમ દ્વારા બોમ્બે હાઇકોર્ટમાં બદલીની કરાયેલી ભલામણથી હાઇકોર્ટ બાર એસો.એ ભારે નારાજગી વ્યક્ત કરી હતી અને આજથી અનિશ્ચિત મુદત માટે કામકાજથી અળગા રહી હડતાળ પર ઉતરી ગયા હતા. રાજ્યના તમામ બાર એસોસિએશનને પણ સમર્થન કરવા માટે અપીલ કરાઈ છે. એસોસીએશનની અગાઉ મળેલી બેઠકમાં જસ્ટિસ કુરેશી સાથે કોલેજિયમ દ્વારા અન્યાયપૂર્ણ વ્યવહાર કરવામાં આવી રહ્યો હોવાનો સૂર વ્યક્ત કરવામાં આવ્યો હતો. એસોસિએશનના પ્રમુખ યતિન ઓઝાના નેતૃત્વ હેઠળ યોજાયેલી બેઠકમાં ત્રણ મુદ્દાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. જેમાં જસ્ટિસ કુરેશીની બદલી કોઇપણ રીતે વાજબી નથી, સુવ્યવસ્થિત ન્યાયના પ્રબંધન સાથે તેનો કોઇ સબંધ નથી, આ બદલી ન્યાયતંત્રની સ્વતંત્રતા પર તરાપ સમાન ગણાવાયો હતો.
આજે હાઇકોર્ટના મુખ્ય પ્રવેશદ્વાર પર જ એસોસીએશનના પ્રમુખ યતીન ઓઝા સહિતના હોદ્દેદારોએ અડીંગ જમાવી દીધો હતો અને વકીલોને કોર્ટ પરિસરમાં પ્રવેશ નહી લેવા અનુરોધ કરી સમજાવ્યા હતા. જેના લીધે લગભગ મોટાભાગના વકીલો કોર્ટ પ્રાંગણમાં જ પ્રવેશ્યા ન હતા અને કોર્ટ કામગીરીથી અળગા રહી ઉગ્ર વિરોધ પ્રદર્શિત કર્યો હતો. વકીલોની હડતાળને પગલે આજે ગુજરાત હાઇકોર્ટમાં કોર્ટ કામગીરી ખોરવાઇ હતી, માત્ર અરજન્ટ કેસોની સુનાવણી જ હાથ ધરાઇ હતી. વકીલોની હડતાળ હોવાછતાં તમામ જજીસ પોતાની કોર્ટમાં સુનાવણી માટે તૈયાર હતા જો કે, વકીલોની હાજરીના અભાવે મોટાભાગના કેસોની સુનાવણી હાથ ધરી શકાઇ ન હતી. બીજીબાજુ, એસોસીએશન દ્વારા આ સમગ્ર મામલે પિટિશન ફાઇલ કરવાની તજવીજ હાથ ધરાઇ હતી.