ટીમ ઇન્ડિયાના પૂર્વ સલામી બેટ્સમેન વીરેન્દ્ર સહેવાગે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ટીમ કિંગ્સ ઇલેવન પંજાબના મેંટોરનું પદ છોડી દીધુ છે. સહેવાગે તેની જાહેરાત ટ્વીટર દ્વારા આપી છે. તમને જણાવી દઇએ કે, સહેવાગ કિંગ્સ ઇલેવન પંજાબ સાથે ગત ૫ વર્ષથી જોડાયેલ હતો.
સહેવાગે પોતાની ટ્વીટમાં લખ્યું,’તમામ સારી વસ્તુનો ક્યારેક તો અંત આવે જ છે અને મેં ટીમ ઇલેવન પંજાબ સાથે સારો સમય વિતાવ્યો. હું બે સિઝન ટીમ સાથે રમ્યો અને ૩ સિઝન સુધી ટીમમાં મેંટોરની ભૂમિકા અદા કરી. કિંગ્સ-૧૧ પંજાબથી હવે હું અલગ થઇ રહ્યો છું અને આભાર વ્યક્ત કરૂ છું કે, મેં સારો સમય ટીમ સાથે પસાર કર્યો. ટીમને ભવિષ્ય માટે ખુબ શુભેચ્છાઓ.’
સહેવાગ કિંગ્સ ૧૧ પંજાબની સાથે ખેલાડી તરીકે વર્ષ ૨૦૧૪માં જોડાયો હતો. તેના ૨ વર્ષ બાદ ૨૦૧૬માં ટીમમાં મેંટોર બન્યો અને આ પદ પર તે ૩ વર્ષ સુધી રહ્યો.
૪૦ વર્ષિય સહેવાગ આઇપીએલમાં દિલ્હી ડેયરડેવિલ્સ અને કિંગ્સ ૧૧ પંજાબ માટે રમી ચૂક્યો છે. આઇપીએલમાં રમેલ ૧૦૪ મેચોમાં તેણે ૨૭.૫૫ની સરેરાશથી ૨૭૪૮ રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે ૨ સદી અને ૧૬ હાફ સેંચુરી ફટકારી છે. સહેવાગના મેંટોર રહેતા કિંગ્સ ૧૧ પંજાબ વર્ષ ૨૦૧૭માં પાંચમા અને ૨૦૧૮માં સ્થાન પર રહી હતી. સહેવાગે આ ઘોષણા હાલમાં જ કિંગ્સ ૧૧ પંજાબ દ્વારા માઇક હેશનને કોચ બનાવવા માટે કહી હતી.