ભારે ઉત્તેજના અને રસાકસી ભર્યા વાતાવરણના અણસાર વચ્ચે યોજાયેલી મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીની છ વિદ્યાશાખાની છ બેઠકની ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થતા યુનિવર્સિટી તંત્ર અને બંને રાજકીય પક્ષોએ હાશકારો અનુભવ્યો છે આજે યોજાયેલી ચૂંટણીમાં સરેરાશ ૮.૩૪ ટકા જેવું નબળું મતદાન થતા તમામ ઉમેદવારોના જીવ પડીકે બંધાયા છે.મતપેટીમાં સીલબધ્ધ થયા હતા આવતીકાલ સોમવારે સવારે આ તમામ છ વિદ્યાશાખાની મતગણતરી યોજાશે.
ગત તારીખ ૧૬ સપ્ટેમ્બર ૨૦૧૮ના રોજ મળેલી એ કાઉન્સિલની બેઠકમાં મતદારયાદીની ક્ષતિઓ માં સુધારણા સહિતના નિર્ણયો લેવાતા યુનિવર્સિટીએ ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કરીને તા.૪ નવેમ્બર ૨૦૧૮ના રોજ વિદ્યાર્થી સેનેટની સાત વિદ્યાશાખાની સાત બેઠકો પર ખાલી પડેલી સાત વિદ્યાર્થી પ્રતિનિધિઓની લોકશાહી પદ્ધતિએ પસંદગી કરવા માટે ચૂંટણી પ્રક્રિયા યોજવા સર્વાનુમતે નિર્ણય લેવાયો હતો.
ચૂંટણી જાહેરનામા અનુસાર ગત તા.૨૧ ઓકટોબર,૨૦૧૮ના રોજ વિદ્યાર્થી સેનેટની સાત વિદ્યાશાખા સાયન્સ, કોમર્સ અને મેનેજમેન્ટ,આર્ટસ, શિક્ષણ અને ગ્રામ વિદ્યાશાખા, કાયદો, મેડિકલ અને એન્જિનિયરિંગ તથા ડેન્ટલ અને હોમીયોપેથીમાં ઉમેદવારી પરત ખેંચવાના અંતિમ દિવસે મેડીકલ અને એન્જીનીયરીંગના શાખામાંથી એનએસયુઆઈના ઉમેદવારે પોતાની ઉમેદવારી પરત ખેંચી લેતા ચૂંટણી પૂર્વે જ આ એક બેઠક એબીવીપીના ફાળે ગઈ હતી જ્યારે બાકી બચેલી છ વિદ્યાશાખાની છ બેઠક પર કુલ ૧૪ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી.
આજે સવારે યુનિવર્સિટીના એક્સટર્નલ ડિપાર્ટમેન્ટ સહિત જિલ્લાના દસ મતદાન કેન્દ્રો ખાતે સવારના ૧૧ કલાકથી શાંતિપૂર્ણ વાતાવરણમાં છ વિદ્યાશાખાની છ બેઠકો માટેની મતદાન પ્રક્રિયા નો પ્રારંભ થયો હતો. દિવસભર નાની મોટી માથાકૂટ વચ્ચે એકંદરે શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થતાં યુનિવર્સિટી તંત્રે રાહતનો દમ લીધો હતો. વિદ્યાર્થી સેનેટની આ ચૂંટણીમાં સરેરાશ ૮.૩૪ ટકા જેટલું મતદાન નોંધાયું છે. છ વિદ્યાશાખાની છ બેઠકો પર કુલ ૩૧,૫૦૦ મતદારો નોંધાયા હતા જે પૈકી આજે માત્ર ૨૬૨૯ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સાંજે પાંચના ટકોરે પૂર્ણ થયેલા મતદાન બાદ તમામ મતપેટીઓ ને સ્ટ્રોંગરૂમમાં સીલ કરવામાં આવી હતી. આ સાથે જ છ વિદ્યાર્થી બેઠકોના ૧૪ ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં સીલબધ્ધ થયું હતું.આવતીકાલે સવારે ૧૧ યુનિવર્સિટીના મુખ્ય કાર્યાલય ખાતે તમામ છ વિદ્યાશાખાની મતગણતરી પ્રક્રિયા હાથ ધરાશે.