કુંવારાનું સન્માન કરો, ૨થી વધુ બાળકો હોય તે પરિવારનો મતાધિકાર છીનવોઃ બાબા રામદેવ

1296

યોગ અને પતંજલિ ઉત્પાદનો સિવાય પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહેતા યોગગુરૂ સ્વામી રામદેવે આ વખતે દેશની જનસંખ્યા અને દેશસેવા માટે સંન્યાસ લેતા સંન્યાસીઓ માટે નિવેદન આપ્યું છે. રવિવારે હરિદ્વારમાં સ્થિત તેમના મુખ્ય આશ્રમેથી યોગગુરૂએ જણાવ્યું કે અમારી જેમ જે લોકો સંન્યાસ અપનાવી દેશ સેવામાં જીવન સમર્પિત કરે છે તે લોકોને ખાસ સન્માન મળવું જોઇએ. જ્યારે બે થી વધારે સંતાનો ધરાવતા લોકો પાસેથી વોટ આપવાનો અધિકાર પણ પરત ખેંચી લેવો જોઇએ. હરિદ્વારમાં આયોજીત એક કાર્યક્રમ દરમિયાન તેમણે પોતાનું જ ઉદાહરણ આપતા જણાવ્યું કે ભારતમાં જે લોકો અમારી જેમ લગ્નગ્રંથિથી ન જોડાઇને દેશસેવા કરે છે તેમને સમાજમાં વિશેષ સન્માન આપવું જોઇએ.

તેમણે પોતાના નિવેદનમાં એ વાતનો પણ ઉલ્લેખ કર્યો કે પૌરાણિક સમયમાં જનસંખ્યા ઓછી હોવાના કારણે વેદોમાં ૧૦-૧૦ સંતાનો પેદા કરવાની વાત કહેવામાં આવી હતી. હવેના સમયમાં જેની પાસે સામર્થ્ય હોય એ સંતાનો પેદા કરી લે અને ૧-૨ સંતાનો અમને પણ આપે. આમ પણ હવે ભારતની જનસંખ્યા ૧૨૫ કરોડના આંકડાને પાર કરી ચુકી છે. પરંતુ જે કોઇ પુરૂષ કે મહિલા બુદ્ધિશાળી, ચતુર અને સમજદાર વ્યક્તિત્વ ધરાવતું હશે તો તે વિવેકશીલ અને પૂર્ણ આત્મા હજારો, લાખો, કરોડો પર ભારે પડી શકે છે. આજ ભારતની પરમ્પરા છે.

યોગગુરૂ રામદેવની પતંજલિ યોગપીઠ સેંકડો સન્યાસીઓને દીક્ષા આપી ચુકી છે. રામનવમીએ સંન્યાસીઓને દિક્ષા આપતાં તેમણે જણાવ્યું હતું કે સંત બનવું અને પોતાના જીવનને દેશસેવામાં સમર્પિત કરવાથી વધારે આનંદની વાત હોઇ જ ન શકે. સાથે-સાથે તેમણે સંન્યાસ લીધેલા શિષ્યોના પરિવારોનો આભાર માન્યો હતો કે તેમણે દેશની સેવામાં સંતાનોને સમર્પિત કર્યા હતા.

હરિદ્વાર સ્થિત પતંજલિ આશ્રમમાં જ્ઞાનકુંભ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આ બે દિવસના કાર્યક્રમમાં દેશભરના સંતોએ ભાગ લીધો છે. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ જ્ઞાનકુંભમાં જોડાવા હરિદ્વાર પહોંચ્યા છે.

Previous articleદેશના લાખો શ્રદ્ધાળુ અયોધ્યામાં મંદિર ઇચ્છે છે : શ્રીશ્રી રવિશંકર
Next articleઅપરાધી ઉમેદવારને પણ તક આપવા માટેની તૈયારી