આજે ગાંધીનગર મહાનગરપાલિકામાં મેયરની ચૂંટણી હતી ત્યારે મહાપાલિકામાં બીજી ટર્મના મેયર સહિત હોદ્દેદારોની ધનતેરસે ચૂંટણી થવાની પૂર્વ સંધ્યાએ હાઇ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. ગાંધીનગર મનપાની સામાન્ય સભામાં જ એક તબક્કે હોબાળો અને મામલો બીચકતાં લોકશાહીના લીરેલીરા ઉડાડતા અને છૂટ્ટા હાથની મારામારીના વરવા દ્રશ્યો સર્જાયા હતા. જેમાં ભાજપના કોર્પોરેટરો દ્વારા કોંગ્રેસના કેટલાક કોર્પોરેટરોને માઇક સહિતની વસ્તુઓમાં જોરદાર માર મારી લોહીલુહાણ કરી દેવાયા હતા. એટલું જ નહી, કોંગ્રેસની મહિલા કોર્પોરેટરોના ગળા દબાવી સાડીઓ ખેંચવા સુધીના હીન અને અત્યંત ઘૃણાસ્પદ દ્રશ્યો સર્જાતા ગુજરાતના રાજકારણમાં જબરદસ્ત ખળભળાટ મચી ગયો હતો. ભાજપ દ્વારા લોકશાહીનું ચીરહરણ અને હત્યા કરાઇ હોવાના ગંભીર આક્ષેપો સાથે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. પોલીસે પણ ભાજપના ઇશારે કોંગ્રેસની મહિલા કોર્પોરેટર સહિતના કોંગ્રેસના આગેવાનોને અત્યાચાર અને દમનનો ભોગ બનાવ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. બીજીબાજુ, ભારે હોબાળા અને મારામારીના વરવા દ્રશ્યો બાદ પાછળથી ગુજરાત હાઇકોર્ટના નિર્દેશાનુસાર સામાન્ય સભાની કામગીરી લોખંડી પોલીસ બંદોબસ્ત વચ્ચે આગળ ધપાવવામાં આવી હતી. ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઇ કોંગ્રેસી પરિવારના પીઢ નેતા અને બે ટર્મથી કોર્પોરેટર પદ્દે ચૂંટાતા સભ્ય અંકિત અશ્વીનભાઇ બારોટ ચૂંટણીના આગલા દિવસે બપોર બાદ ગાયબ થઇ જતાં કોંગ્રેસ પક્ષમાં ભાગદોડ મચી ગઇ હતી અને રાત્રે મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો હતો. પ્રદેશ કોંગ્રેસ દ્વારા ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય સી જે ચાવડા સમગ્ર હવાલો સોંપવામાં આવ્યો હતો. દરમ્યાન વિપક્ષના નેતા શૈલેન્દ્રસિંહ બિહોલાએ તેમના સભ્ય અંકિત બારોટનું ભાજપ દ્વારા અપહરણ કરાયું હોવાનો ગંભીર આક્ષેપ કરાયો હતો. તો, રાત્રે અંકિત બારોટના પત્ની ભૂમિકાબેન સહિત પરિવારજનો કોંગ્રેસના આગેવાનો સાથે સેક્ટર- ૨૧ પોલીસ સ્ટેશન ફરિયાદ આપી હતી. આ પહેલા સવારે ૧૧ વાગ્યાના અરસામાં અંકિતે દુર્ગેશ ગઢવીને મેસેજ કર્યો હતો કે તેને કેતન અને ગિરિશ ઉર્ફે મગન પટેલ વાતચીતના બહાને તેમની સાથે વાવોલ બાજુ ક્યાંક લઇ ગયા છે. અંકિત બારોટને પહેલી ટર્મ વખતે પણ ત્રણ પૈકી એક હોદ્દાની ઓફર આપી પક્ષ પલ્ટો કરવા ભાજપના સભ્યો અને સંગઠનના માણસોએ ઓફર કર્યાની ચર્ચાએ જોર પકડયું હતું. દરમ્યાન આજે મનપાની પ્રતિષ્ઠાભરી ચૂંટણી માટે સામાન્ય સભા મળી ત્યારે અંકિત બારોટના મામલે ભારે હોબાળો મચ્યો હતો. એક તબક્કે ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો વચ્ચે ઝઘડા, બોલાચાલી અને ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા. જેમાં ભાજપ જૂથના કોર્પોરેટરોએ કોંગ્રેસનાુ કેટલાક કોર્પોરેટરોને જોરદાર હુમલાના નિશાન બનાવ્યા હતા અને તેમને માઇક સહિતની વસ્તુઓ ઝઘડા દરમ્યાન મારી લોહીલુહાણ કર્યા હતા તો, કોંગ્રેસની મહિલા કોર્પોરેટરના પણ ગળા દબાવી તેઓને ધક્કા મારી સભાખંડમાંથી બહાર કઢાયા હતા. કોંગ્રેસની એકાદ-બે મહિલા કોર્પોરેટરની સાડીઓ પણ ખેંચાઇ હતી, જેને લઇ સમગ્ર વાત વણસી હતી અને લોકશાહીના લીરેલીરા ઉડયા હતા. પોલીસ દ્વારા પણ ભાજપના ઇશારે તેઓને અત્યાચારનો ભોગ બનાવાયા હોવાનો કોંગ્રેસે ગંભીર આક્ષેપ કર્યો હતો અને ચૂંટણી મુલત્વી રાખવા માંગ કરી હતી.
જો કે, ચૂંટણી અધિકારીઓ દ્વારા ભારે હોબાળા અને બબાલ બાદ લોખંડી બંદોબસ્ત વચ્ચે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરી હતી. જેમાં મેયરપદ માટે ભાજપના રાજા ગોંધલને ૧૬ મત મળ્યા હતા અને ડેપ્યુટી મેયરપદ માટે ભાજપના રીટા પટેલને મત મળ્યા હતા. જેને પગલે ભાજપના ઉમેદવારો વિજયી જાહેર થાય તેવી શકયતા દેખાઇ રહી છે. જો કે, પરિણામ સહિતની સમગ્ર પ્રક્રિયા હાઇકોર્ટને જાણ કરાશે, ત્યારબાદ સત્તાવાર પરિણામો જાહેર થવાની શકયતા છે.