એકાદશીથી લાભપાંચમ સુધી દિવાળીના પાવન પર્વની ઉજવણી કરવામાં આવે છે ત્યારે ધનતેરશ, કાળીચૌદશ અને દિવાળી તેમજ ગુજરાતીઓના નવા વર્ષની પણ આ પર્વ દરમિયાન ઉત્સાહપૂર્વક લોકો ઉજવણી કરે છે તો ભાઇ-બહેનના પવિત પર્વ ભાઇ-બીજની પણ નૂતન વર્ષના બીજા દિવસે ઉજવણી કરાય છે.
આમ આ પર્વ દરમિયાન મંદિરોમાં પણ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડતું હોય છે તો નવા વર્ષને લોકો આવકારીને એક બીજાને શુભેચ્છા આપે છે તો ભગવાનને પણ જાતજાતના વ્યંજનોના ભોગ ધરાવવામાં આવે છે.
ગાંધીનગર શહેર અને જિલ્લામાં આવેલાં વિવિધ મંદિરોને દિવાળી પર્વને અનુરૂપ લાઇટીંગથી તેમજ રંગોળીથી શણગારવામાં આવે છે.
ગુજરાતી નૂતન વર્ષનો પ્રારંભ અને દિવાળીનું પર્વ ચાલી રહ્યું છે ત્યારે મંદિરોમાં પણ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે નવા વર્ષ નિમિત્તે તા.૮ નવેમ્બરના રોજ જિલ્લામાં આવેલાં તમામ મંદિરોમાં ૫૬ ભોગ અન્નકૂટનો ભગવાન અને માતાજીને ભોગ ધરાવવામાં આવશે ત્યારબાદ તેના દર્શનનો લાભ ભાવિક ભક્તોને મળશે. દીપાવલી પછીનો સૂર્યોદય આખા વર્ષ માટે હકારાત્મક ઊર્જા લઈને આવે છે.
નૂતન વર્ષ સાથે નવા સંકલ્પ પણ કરવામાં આવે છે અને તેને પૂર્ણ કરવા માટે ભગવાન, સત્પુરુષો,માતા-પિતા અને વડીલોના આશીર્વાદ મેળવવામાં આવે છે.
વહેલી સવારથી નવાં કપડામાં સજ્જ થઈને વડીલોના આશિષ લેવાનો અને મિત્રોને શુભકામના પાઠવવાનો ક્રમ હજૂ પણ ગુજરાતમાં જળવાયો છે. આ થયું બેસતા વર્ષનું સામાજિક મહત્વ,પણ તેનું ધાર્મિક મહાત્મય પણ એટલું જ અગત્યનું છે.
મંદિરોમાં પૂજાપાઠ કરીને ભગવાનનાં અને સત્પુરુષોના ચરણોમાં શીશ નમાવવાનું ઉપરાંત અન્નકૂટનો ભોગ ધરાવાવનું મહાત્મય અનેરૂ છે. નૂતન ધાન્ય-અન્નકૂટ ધરાવીને આખું વર્ષ સુખરૂપ પસાર થાય એવો શુભ આશય આ પાછળ રહેલો છે.