દિવાળી બાદ રાજ્યમાં ઠંડીએ પોતાનો ચમકારો દેખાડવાનું શરૂ કરી દીધુ છે. રાજ્યના મોટાભાગ ના શહેરોમાં વહેલીસવારે અને મોડીની રાત્રે ઠંડીનો જોરદાર ચમકારો લોકોને લાગવા લાગ્યો છે. આમ છેલ્લા કેટલાક સમયથી રાજ્યની પ્રજાને ગરમીમાંથી છૂટકારો મળી ગયો છે.
જો કે હાલમાં ગુલાબી ઠંડીનો ચમકારો જોવા મળતાં લોકો ખુશનુમા વાતાવરણનો લ્હાવો માણવા મળી રહ્યો છે. જો કે હાલમાં દિવાળીનું વેકેશન હોય લોકો રાજ્યભર સહિત બહાર પણ પર્યટકો ફરવાના મૂડમાં જોવા મળી રહ્યાં છે.
છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં સૌથી ઠંડુ શહેર ગાંધીનગર બની ગયું હતું. જ્યાં દિવસનું તાપમાન ૩૩ ડિગ્રી સુધી પહોંચ્યા બાદ રાત્રીનું તાપમાન ૧૪.૬ ડીગ્રી જેટલું નીચે સરકી ગયું હતું.
આ ઉપરાંત અમદાવાદ, ડીસા, ભાવનગરનું મહુવા કંડલા સહિતના શહેરોનું તાપમાન ૧૫ થી ૧૬ ડીગ્રી જેટલું નોંધાયુ છે. આમ હવે ધીરેધીરે ઠંડીપોતાની અસર દેખાડતી જઇ રહી છે. ત્યારે આગામી દિવસોમાં હજુ પણ ઠંડીનો પારો વધુ નીચે સરકશે.
કાશ્મીરમાં થયેલી હિમવર્ષા બાદ ઉત્તરથી ઉત્તર-પૂર્વનાં ઠંડા પવનોનું જોર વધ્યું છે, રાજ્યમાં શિયાળાની ઠંડકનો પ્રારંભ થયો છે. શનિવારે અમદાવાદ સહિત ૭ શહેરમાં લઘુતમ તાપમાન ૧૬.૦ ડિગ્રીથી નીચે નોંધાયું હતું. રાજ્યમાં ૧૪.૬ ડિગ્રી સાથે ગાંધીનગર સૌથી ઠંડું શહેર બન્યું હતું. હવામાન વિભાગનાં આંકડાઓ મુજબ, ઠંડા પવનોની અસરોને પગલે શનિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ૧.૩ ડિગ્રી વધીને ૩૫.૦ ડિગ્રી અને લઘુતમ તાપમાન ૨.૧ ડિગ્રી ગગડીને ૧૫.૬ ડિગ્રી નોંધાયું હતું. શહેરમાં વહેલી સવારથી જ ઠંડા પવનોને કારણે ઠંડકનું પ્રમાણ વર્તાયું હતું. જો કે, બપોર ગરમીનો પારો વધવા છતાં ઠંડા પવનોથી લોકોએ ગરમીથી રાહત મેળવી હતી. આગામી બેથી ચાર દિવસો દરમિયાન અમદાવાદમાં ઠંડકનું જોર યથાવત્ રહેવાની શક્યતા છે. સવારે અને સાંજે સમયે હવે લોકો ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે.
ઠંડા પવનોથી રાજ્યમાં લઘુતમ તાપમાન ગગડીને ૧૪થી ૨૫ ડિગ્રી વચ્ચે પહોંચ્યુ છે. તેમાંય રાજ્યનાં સાત શહેરમાં ઠંડીનો પારો ૧૬ ડિગ્રીથી નીચે નોંધાયો હતો. આગામી બે દિવસો દરમિયાન રાજ્યમાં ઠંડકનું જોર યથાવત્ રહેવાની શક્યતા છે. જો કે, સવાર-સાંજ ઠંડક રહ્યાં બાદ બપોરે ગરમીમાં સામાન્ય વધારો થવાનાં સંકેતો હવામાન વિભાગ દ્વારા પ્રાપ્ત થયાં છે.