પાકિસ્તાની મરીન્સ દ્વારા ફરી એકવાર અવળચંડાઈ કરાઈ છે. પાકિસ્તાન મરીને ગુજરાતના માછીમારોનું અપહરણ કર્યાની ઘટના સામે આવી છે. પાકિસ્તાને માછીમારી કરતી બે ભારતીય બોટ સાથે ૧૨ માછીમારોનું અપહરણ કર્યું છે. આ પૂર્વે પણ પાકિસ્તાની મરીન્સ દ્વારા ભારતની બોટને બંધક બનાવવામાં આવી હતી.
પાકિસ્તાન મરીન સિક્યોરિટીએ ઓખાની ફિશિંગ બોટ સાથે ૨ ભારતીય બોટ અને ૧૨ માછીમારોનું અપહરણ કર્યુ છે. ભારતીય જળસીમા નજીકથી બોટનું અપહરણ કરાયુ છે. અપહરણ કરાયેલી બોટમા ૧ બોટ પોરબંદરની અને એક બોટ ઓખાની હોવાનું જાણવા મળી રહ્યું છે. એક તરફ પાકિસ્તાન ભારતીય માછીમારોને છોડી રહ્યું છે અને બીજી તરફ આંતરરાષ્ટ્રીય મરીન બોર્ડર પાસેથી વધુ કેટલાક માછીમારોના અપહરણની ઘટના બહાર આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ છેલ્લા દિવસોમાં પાકિસ્તાન મરીન્સે ભારતીય જળસીમામાં ઘૂસીને બોટ અને અનેક માછીમારોના અપહરણ કર્યાં છે. પોરબંદર અને વેરાવળ સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ૫ લાખથી વધુ માછીમાર પરિવારો વસવાટ કરે છે. જેમાથી સક્રીય માછીમારો પાસે નાની મોટી માછીમારી બોટો છે. જેનાથી માછીમારોને રોજગારી મળી રહે છે.