જેની ઉત્સુકતાપૂર્વક રાજકીય વર્તુળોમાં રાહ જોવામાં આવી રહી હતી તે પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી માટે મતદાનની શરૂઆત થઇ રહી છે જેના ભાગરુપે આવતીકાલે છત્તીસગઢમાં બે તબક્કામાં યોજાનાર મતદાન પૈકી પ્રથમ તબક્કામાં ૧૮ સીટો માટે મતદાન થનાર છે. બસ્તર અને રાજનંદગાંવ જિલ્લાની ૧૮ સીટો માટે મતદાન થનાર છે.
નક્સલવાદીગ્રસ્ત વિસ્તાર હોવાથી અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. તમામ તૈયારીઓ ચૂંટણી પંચ તરફથી પણ કરી લેવામાં આવી છે. છત્તીસગઢમાં છેલ્લા ૧૫ વર્ષથી નેતૃત્વ કરી રહેલા મુખ્યમંત્રી રમણસિંહ ત્રીજી વખત વાપસી કરવા માટે રાજનંદગાંવથી મેદાનમાં છે. અહીંથી કોંગ્રેસે પણ કોઇ સમયે ભાજપમાં રહી ચુકેલા અરુણા શુક્લાને મેદાનમાં ઉતાર્યા છે. પ્રથમ તબક્કામાં છત્તીસગઢના આઠ માઓવાદીગ્રસ્ત જિલ્લાઓને આવરી લેતી ૧૮ સીટો ઉપર મતદાન થશે. મતદાનની પ્રક્રિયા શાંતિપૂર્ણરીતે પૂર્ણ થાય તે માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. નક્સલવાદીગ્રસ્ત વિસ્તારના ૨૦.૪ લાખ મતદારો ઉમેદવારોના ભાગ્યનો ફેંસલો કરશે. ભાજપે રાજ્યમાં સતત ત્રણ ચૂંટણી જીતી છે. મુખ્યમંત્રી રમણસિંહ સહિત ૧૯૦ ઉમેદવારો પ્રથમ તબક્કામાં ભાગ્ય અજમાવી રહ્યા છે. ૨૦૧૩માં છેલ્લી ચૂંટણીમાં આ ૧૮ સીટો પૈકી ભાજપે ૧૨ સીટો ગુમાવી હતી જેથી આ વખતે વધુ તૈયારી કરવામાં આવી છે. આ તબક્કા માટે ૪૩૩૬ મતદાન મથકો ઉભા કરાયા છે.
૩૧૭૯૫૨૦ મતદારો નોંધાયા છે. છત્તીસગઢમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે પરંપરાગત સ્પર્ધા રહી છે. આ વખતે અજીત જોગીના જનતા કોંગ્રેસ, માયાવતીના બહુજન સમાજ પાર્ટી અને સીપીઆઈએ ત્રીજા મોરચા તરીકે ગઢબંધન કરીને મેદાનમાં ઉતરવાનો નિર્ણય કર્યો છે. નક્સલવાદીગ્રસ્ત વિસ્તારોમાં મતદાનનો સમય સવારે ૭ વાગ્યાથી લઇને સાંજે ૩ વાગ્યા સુધીનો રહેશે જ્યારે બાકીના મતવિસ્તારોમાં સાંજે પાંચ વાગ્યા સુધી મતદાન થશે. રાજ્ય ચૂંટણી અધિકારીઓ દ્વારા આ અંગેની માહિતી આપવામાં આવી છે. ઇવીએમ પહોંચાડવા માટે આ વખતે હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી હતી. આ વખતે રાજનંદગાંવમાં સૌથી વધુ ઉમેદવારો છે. અહીં ૩૦ ઉમેદવારો મેદાનમાં છે જ્યારે બસ્તર અને કોન્ડા ગાંવમાં પાંચ-પાંચ ઉમેદવારો મેદાનમાં છે. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની બેઠકોમાં પણ મતદાન યોજાનાર છે. બીજા તબક્કામાં બાકીની ૭૨ બેઠકો ઉપર ૨૦મી નવેમ્બરે મતદાન થશે. મતગણતરી ૧૧મી ડિસેમ્બરે હાથ ધરાશે. છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ૯૦ સીટો પૈકી ૪૯ સીટો જીતી હતી. છત્તીસગઢમાં બે તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. બીજા તબક્કામાં ૭૨ સીટ માટે ૨૦મી તારીખે મતદાન થશે. રાજ્યમાં ૯૦ સીટો પૈકી ૧૦ સીટો અનુસૂચિત જાતિ માટે તથા ૨૯ સીટો અનુસૂચિત જનજાતિ માટે રિઝર્વ રાખવામાં આવી છે. રાજ્યમાં ૧૮૫૫૯૯૩૬ મતદારો છે. જે પૈકી પુરૂષ મતદાતાઓની સંખ્યા ૯૨૯૫૩૦૧ છે. જ્યારે મહિલા મતદારોની સંખ્યા ૯૨૪૯૪૫૯ છે. છત્તીસગઢમાં ૧૯ વિધાનસભા ક્ષેત્ર એવા છે જ્યાં ૧૯ કરતા વધુ ઉમેદવાર મેદાનમાં છે. આ સીટી પર બેથી વધારે ઈવીએમ મુકવામાં આવ્યા છે. ત્રણ વિધાનસભા ક્ષેત્રોમાં ઉમેદવારોની સંખ્યા ૩૨થી વધારે હોવાથી ત્રણ બેલેટ યુનિટ ગોઠવવામાં આવી છે. છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણીને લઈને મજબૂત સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી છે. વર્તમાન વિધાનસભાની અવધિ પાંચમી જાન્યુઆરી ૨૦૧૯ના દિવસે પુરી થઈરહી છે. હાલમાં ભાજપ સત્તામાં છે અને રમણસિંહ રાજ્યના મુખ્યમંત્રી તરીકે છે.અગાઉ ગઇકાલે શનિવારના દિવસે પ્રથમ તબક્કામાં યોજાનારી ચૂંટણી માટે પ્રચારનો અંત આવ્યો હતો. ચુંટણી પ્રચારના છેલ્લા દિવસે રાહુલ ગાંધી, અમિત શાહ અને યોગી આદિત્યનાથે ઝંઝાવતી પ્રચાર કરીને માહોલ પોત પોતાની તરફેણમાં કરવાના પ્રયાસ કર્યા હતા. કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધીએ આક્રમક ચુંટણી પ્રચાર કરીને કોંગ્રેસની તરફેણમાં વાતાવરણ સર્જવાના પ્રયાસ કર્યા હતા. ભાજપ તરફથી રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રચારની જવાબદારી સંભાળી હતી. છત્તીસગઢમાં સત્તા જાળવી રાખવા માટે ભાજપ સામે અનેક પડકારો રહેલા છે. છેલ્લા ઘણા વર્ષથી ભાજપની સરકાર અહીં સત્તામાં છે. પ્રથમ તબક્કામાં પ્રચારના છેલ્લા દિવસે ભાજપ અને કોંગ્રેસે સંપૂર્ણ તાકાત ઉમેરી દીધી હતી. ભાજપ તરફથી વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ પણ પ્રચારમાં વ્યસ્ત દેખાયા હતા. સુષ્માએ ભલાઈ અને રાયપુરમાં ચુંટણી પ્રચાર કરીને સ્થિતિને લઈને સમીક્ષા પણ કરી હતી. બીજી બાજુ ચુંટણી પ્રચારના અંતિમ દિવસે કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધીએતમામ તાકાત ઝીંકી દીધી હતી. રાજ્યમાં અનેક રેલી અને રોડ શો બાદ રાહુલ પાખનજોરમાં પહોંચ્યા હતા.