રાજુલા-જાફરાબાદ પંથકમાં અનેક નાના-મોટા ઉદ્યોગો આવેલા છે ત્યારે અમુક ભુમાફીયાઓ દ્વારા ઉદ્યોગોની સાથે ચાલવા માટે થઈને કરોડપતિ બનવાના સપના જોઈ રહ્યાં છે અને પર્યાવરણ કે ખેતી ઉત્પાદનોની પરવા કર્યા વગર કોઈ પણ જાતની મંજુરી લીધા વગર જ્યાં ત્યાં પડતર પડેલી ગૌચરની જમીનમાં કબ્જો જમાવીને પોતાની માલિકીની હોય તેમ જે તે ઉપયોગમાં લઈ રહ્યાં છે.
આ અંગે ભેરાઈ ગામના જાગૃત સરપંચ એવા બાઉભાઈ રામ દ્વારા આ ભુમાફીયાઓ સામે જંગ છેડયો છે અને જો દસ દિવસમાં યોગ્ય કાર્યવાહી નહીં થાય તો સરપંચ પદેથી રાજીનામુ આપવાની ચિમકી ઉચ્ચારતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. આ સમગ્ર કૌભાંડની નિષ્પક્ષ રીતે જો જિલાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવે તો અનેકના પગે રેલો આવે તેમ છે. જો આ અંગે યોગ્ય તપાસ કરીને ગેરકાયદે બનેલા તળાવો તોડી પાડવામાં નહીં આવે તો ભવિષ્યમાં અહીં બનેલા તળાવો આજુબાજુના ગામો જેવા કે પીપાવાવ ધામ, કથીવદર, વિક્ટર, વિસળીયા સહિતના અનેક ગામો માટે આફતરૂપ બનશે.
અહીં આડેધડ બની રહેલા જીંગાના તળાવોના લીધે વરસાદી પાણીનો પણ યોગ્ય નિકાલ થતો નથી અને દરિયાઈ ભરતી સમયે પાણી ગામ સુધી ઘુસી જતા હોય છે. અહીં માત્ર પ થી ૭ ઈંચ જેવો વરસાદ જો ભવિષ્યમાં એક સાથે વર્ષ તો પાણીનો નિકાલ પણ થઈ શકે તેમ ન હોવાથી અનેક ગામો બેટમાં ફેરવાય તો નવાઈ નહીં અને જો કોઈ જાનહાની થાય તો જવાબદારો એવા સવાલો સ્થાનિક રહિશોમાં ઉઠવા પામ્યા છે ત્યારે આ અંગે જિલ્લા કલેક્ટર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.