રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્ની અંજલીબેન સાથે આજે લાભ પાંચમના દિવસે અંબાજી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. દર્શન કર્યા બાદ માતાજીની પૂજા પણ કરી હતી. રાજ્યના સૌ નાગરિકોની સુખાકારી, સલામતિ, રાજ્યના ઉત્તરોત્તર વિકાસમાં દૈવીશક્તિની કૃપા સદાય વરસતી રહે તેવી પ્રાર્થના કરી હતી.
મિડીયા સાથે મુલાકાતમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે પ્રજાની સુખ સમૃધ્ધિમાં વધારો થાય અને ગુજરાત વિશ્વકક્ષાએ મોડેલ સ્ટેટ બને તે માટે માતાજીને પ્રાર્થના કરી છે. તેમણે કહ્યું કે આગામી લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી જેવુ સમર્થ નેતૃત્વ દેશને ફરીથી મળે, દેશમાં જંગી બહુમતીથી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં વિજય થાય અને ભારત શક્તિશાળી, સમૃધ્ધ રાષ્ટ્ર બને તે માટે માતાજીને પ્રાર્થના કરી છે. મુખ્યમંત્રીએ ભક્તિભાવ પૂર્વક અંબાજી મંદિરના શિખર ઉપર ધજા ચઢાવી હતી.