મોખરાની અભિનેત્રી અનુષ્કા શર્મા હવે દેશમાં ઘટી રહેલી વાઘની સંખ્યાને ધ્યાનમાં રાખીને વાઘના સંવર્ધન અને રક્ષણ માટે કામ કરશે એવી જાણકારી મળી હતી. સી.એ.ટી. કન્વર્ઝિંગ એકર્સ ફોર ટાઇગર્સ પ્રોજેક્ટ સાથે અનુષ્કા કામ કરશે. એ માટે એણે ડિસ્કવરી સાથે સંયોજન કર્યું છે. ડિસ્કવરીએ વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ફંડ સાથે હાથ મિલાવ્યા છે.દેશમાં આજથી સો વર્ષ પહેલાં એક લાખ વાઘ હતા એવું સરકારી રેકોર્ડમાં નોંધાયેલું છે. પરંતુ હાલ બહુ થોડા વાઘ રહ્યા છે. વાઘના ગેરકાયદે શિકારના કારણે એની સંખ્યા ભયજનક રીતે ઘટી જવા પામી હતી. ડિસ્કવરીએ એક નિવેદન પ્રગટ કરીને કહ્યું હતું કે જંગલોમાં વાઘ એક પ્રકારની સમતુલા જાળવવામાં સહાયરૃપ થાય છે. હાલ એની સંખ્યા એટલી હદે ઘટી ગઇ છે કે નજીકના ભવિષ્યમાં વાઘ લુપ્ત થઇ જવાની ભીતિ સેવાય છે એેટલે દુનિયાભરમાં વાઘના સંવર્ધન જતન માટે કામ થઇ રહ્યું છે.