સોમવારથી ગરવા ગિરનારની પાવનકારી પરિક્રમાનો પ્રારંભ

776

સમગ્ર સૌરાષ્ટ્ર સહીત દેશભરમાં અનેરી ખ્યાતી ધરાવતી ગરવા ગિરનારની ભવ્ય ભાતિગળ સમી પાવનકારી પરિક્રમાનો તા.૧૯ને સોમવાર કારતક સુદ અગિયારસથી રંગે ચંગે પ્રારંભ થવાનો છે. ત્યારે છેવાડાના ગામમાંથી લોકો આ પાવનકારી પરીક્રમામાં જોડાવા માટે જુનાગઢ ઉમટી પડશે. ૩૬ કી.મી. લાંબી આ ભક્તિમય પરિક્રમામાં ચાર-ચાર દિવસ સુધી ગીરનારની ગીરીકંદરાઓમાં રહી જંગલમાં મંગલમય પરીક્રમા કરી પોતાના જીવન ધન્ય બનાવશે. પરીક્રમાના રૂપે અલખના ઓટલે આળોટવા માટે લાખો ભાવીકો મહાસાગર રૂપી પરીક્રમામાં જોડાઇ પરીક્રમાની વિસ્મરણીય પળો પોતાની સાથે વતનમાં લઇ જાય છે.

આવી ભજન-ભોજન અને ભકિતના ત્રિવેણી સંગમરૂપ સમી ગિરીવર ગિરનાર ફરતે ચાર-ચાર દિવસ ચાલનારી પરિક્રમામાં આ વર્ષે પણ લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી પડે તેવી ધારણા વચ્ચે  સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને લઇ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરાઇ રહી છે. હિન્દુ ધર્મમાં અમરનાથ યાત્રા અને માન સરોવર યાત્રા જેટલું જ મહત્વ  ધરાવતી ગરવા ગિરનારની ફરતે ચાર દિવસીય લીલી પરીક્રમાની પરંપરા આજની યુવા પેઢીએ પણ જાળવી રાખી છે.

પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ કારતક સુદ ૧૧ થી શરૂ થતી પાવનકારી પરીક્રમામાં આ વર્ષે પણ લાખોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડે તેવી સંભાવના છે. આ વર્ષે પરીક્રમાર્થીઓની સંખ્યા વધુ રહેવાની  ધારણા ગત વર્ષ કરતા આ વર્ષે પરીક્રમામાં આવનાર લોકોની સંખ્યા વધુ રહેશે તેમ કહી શકાય કારણ કે આ વર્ષે ઓછા વરસાદને કારણે ખેડુતોને કામકાજ પુર્ણ થવાનું હોય અને ખેડુતો ખેતીકામ પુર્ણ કરી રહયા છે.

નવનાથ ચોસઠ જોગણી તેમજ સિધ્ધ ધુણા અને ગુરૂ દતાત્રેય ભગવાનમાં અંબાના જયાં બેસણા છે તેવા ગરવા ગિરનારની ફરતે પરીક્રમાનો લાભ રૂપી લ્હાવો લેવા માટે આ વર્ષે વિક્રમી માનવ મહેરામણ ઉમટી પડે તેવી શકયતાઓને ધ્યાનમાં લઇ તંત્ર દ્વારા પુરતી તૈયારી થઇ રહી છે.

Previous articleડાકોર સહિત ૨૫ મંદિરમાં ઓનલાઈન દાન આપી શકાશે
Next article૨૬૦ કરોડના ઠગાઈ કેસમાં આખરે સીટની રચના કરાઈ