મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, આપણા સંસ્કાર અને સંસ્કૃતિમાં ભાગવત કથાનું ખૂબ જ મહત્વ છે અને તેના થકી ધર્મજ્ઞાન પ્રાપ્ત થાય છે. ધર્મ દ્વારા તમામ પ્રકારનું આશ્વાસન અને જીવન જીવવાના દ્રષ્ટિકોણનો બોધ મળે છે.
પાલીતાણા હરિરામ બાપા ધામ ખાતે ભાગવત સપ્તાહ કાર્યક્રમ પ્રસંગે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ધાર્મિક પ્રજાજનોને સંબોધતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, શરીરની સાથે આત્માની સ્વીકૃતિ આપણા ધર્મોમાં છે. સ્વાર્થ વૃતિ દૂર થાય, માનસિક શાંતિ મળે અને અંતિમ લક્ષ માટે ભાગવત કથાનું આયોજન અનિવાર્ય છે. ક્રોધ, લોભ, મોહ, અને માયામાં રચ્યા-પચ્યા રહેતા માનવીને સારો બોધ ધાર્મિક કથાઓ દ્વારા પ્રાપ્ત થાય છે. ભાવિપેઢી વ્યસનોમાં બરબાદ ન થાય અને ગુજરાત વ્યસન મુક્ત બને તે માટે દારૂબંધીના કડક કાયદાઓ બનાવ્યા છે. મહિલાઓની સુરક્ષાએ ગુજરાતની ઓળખ છે. બિન જરૂરી કાયદાઓ દૂર કરીને ઓન-લાઇન વ્યવસ્થાઓ સરકારે અમલી બનાવી છે. અનિર્ણાયક્તા જ વિકાસને રૂંધે છે. છેલ્લા ૨૨ વર્ષથી ગુજરાતની પ્રજાએ મૂકેલો વિશ્વાસ એળે નહી જાય. ભાગવત કથા વ્યકિતગત કલ્યાણ માટે ઉપયોગી બને અને ગુજરાતની પ્રતિષ્ઠા અને ગૌરવમાં વધારો થાય તેવી શુભકામના મુખ્યમંત્રીએ શ્રોતાજનોને પાઠવી હતી. કથાકાર શ્યામભાઇ ઠાકરે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું સન્માન કર્યુ હતું.