શહેરની બહુમાળી ભવનમાં આવેલ ગુજરાત અનુસુચિત વિકાસ નિગમ-ગાંધીનગરના મેનેજરને કંટાળી ગયેલા અરજદારે બહુમાળી ભવનના ગેઈટ પાસે પાઈપ વડે માર મારતા ચક્ચાર ફેલાઈ જવા પામી છે.
બનાવની મળતી વિગત મુજબ બહુમાળી ભવનમાં આવેલ ગુજરાત અનુસુચિત વિકાસ નિગમમાં અરજદાર અનિલભાઈ પ્રેમીજભાઈ ગોહિલે કોઈ કામ માટેની અરજી આપી હતી. જે અરજી માટે અનિલભાઈએ અવારનવાર ધક્કા ખાધા હતા પણ કોઈ કારણોસર વિકાસ નિગમના મેનેજર મહાવિરપ્રસાર એમ. અગ્રવાલ દ્વારા અરજીનો નિકાલ કરાતો ન હતો. જેનાથી કંટાળી ગયેલા અરજદાર અનિલભાઈ ગોહિલે આજે સાંજના સુમારે બહુમાળી ભવનના ગેઈટ પાસે મેનેજર અગ્રવાલ પર પાઈપ વડે હુમલો કરી માર મારી નાસી છુટ્યો હતો. બનાવમાં ઈજા પામનાર મેનેજરને ૧૦૮ સેવા દ્વારા સર ટી. માં સારવાર અર્થે ખસેડાયેલ. મેનેજર કક્ષાના અધિકારી ઉપર હુમલો થતા સમગ્ર બહુમાળી ભવનમાં ચક્ચાર ફેલાઈ હતી.