સ્ટેચ્યુ ઓફ યુનિટીએ તરત પહોંચવા માટે ત્રણ એરપોર્ટ

1194

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ગત ૩૧મી ઓક્ટોબરે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. એ પછી સ્ટેચ્યુ ઓફ યુનિટી દેશ-વિદેશના લોકો માટે જોવાલાયક અદ્‌ભુત સ્થળ અને ટુરીઝમ સ્પોટ બની ગયું હોઇ સાહેલાણીઓની સુવિધા અને સુગમતા માટે હવે રાજય સરકારે નવી સેવા અને ત્વરિત પહોંચી શકાય તેવા આશય સાથે રાજયમાં નવા ત્રણ એરપોર્ટ બનાવવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે. આ માટે રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયાના અધિકારીઓ સાથે મહત્વની બેઠક યોજી હતી. દેશ-વિદેશના સાહેલાણીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીના સ્થળે ત્વરિત પહોંચી શકે તે હેતુથી રાજકોટ, ધોલેરા અને રાજપીપળા ખાતે નવા એરપોર્ટ બનાવવામાં આવશે. જેમાં રાજપીપળામાં ડિસેમ્બરના અંત સુધીમાં એરપોર્ટ પણ બનાવવાનો પ્રારંભ કરી દેવામાં આવશે.નવા એરપોર્ટ બનવાના કારણે દેશ-વિદેશના સાહેલાણીઓ ત્વરિત અને ભારે સુગમતા સાથે આ નવા એરપોર્ટ મારફતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પહોંચી શકશે. આ મહત્વપૂર્ણ પ્રોજેકટ માટે એરપોર્ટ ઓથોરિટી ઇન્ડિયા સાથે સીએમ વિજય રૂપાણીની બેઠક યોજાઇ હતી. જેમાં એ મુદ્દા હાથ પર લેવાયા હતા કે, રાજ્યમાં ત્રણ જગ્યાએ એટલે ધોલેરા, રાજકોટ અને રાજપીપળામાં એરપોર્ટ બનાવવાની મંજૂરી મળી ગઈ છે. આ ઉપરાંત પ્રવાસીઓ માટે ફોર લેન રસ્તાથી કેવડિયાને જોડવામાં આવ્યો છે બીજી બાજુ ચાંદોદથી સીધી રેલવે લાઈન પણ બનાવવા સર્વે કરવામાં આવ્યો છે. હવે હવાઈ મુસાફરી કરી આવતા પ્રવાસીઓ માટે જિલ્લામાં એર ટ્રીપ વિકસાવવી જરૂરી બન્યું છે.

Previous articleમહારાષ્ટ્રમાં મરાઠાઓને ૧૬ ટકા અનામત તો ગુજરાતમાં પાટીદારોને કેમ નહીં ?ઃ હાર્દિક પટેલ
Next articleગુજરાત EC : રાજકીય જાહેરાતો પ્રસારિત કરતાં પહેલાં મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ કમિટી સમક્ષ મંજૂરી મેળવવી ફરજિયાત