ગુજરાત ઓટો મોબાઈલ ઈન્ડસ્ટ્રીનું હબ બનતુ જાય છે, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની દિગ્ગજ કંપનીઓ ગુજરાતમાં તેમના ઉત્પાદન યુનિટ્સ શરુ કરી રહી છે. ત્યારે હવે ઓટોમોબાઈલના પાટ્ર્સ બનાવતી ત્રણ જાપાનીઝ કંપનીઓએ પણ ગુજરાતમાં તેમના મેન્યુફેકચરિંગ યુનિટ્સ સ્થાપવામાં રસ દાખવ્યો છે. ત્રણ જાપાનીઝ કંપનીઓમાં અસ્તિ કોર્પોરેશન, કોઈટો મેન્યુફેક્ચરિંગ કંપની લિમિટેડ અને મુરાકામી કોર્પોરેશને વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૧૯ પહેલા સાણંદ અને માંડલ ઈન્ડસ્ટ્રિયલ ક્લસ્ટરમાં જમીન ખરીદી રહી છે.
આ ત્રણેય કંપનીઓ ગુજરાતમાં ૮૦૦ કરોડનું રોકાણ કરશે. કોઈટો મેન્યુફેક્ચરિંગ કંપની ભારતીય માર્કેટમાં પોતાનું કદ વિસ્તારવા માગે છે. અને તે ઈન્ડિયા જાપાન લાઈટિંગ પ્રાઈવેટ લિમિટેડ તરીકે સ્થાપવામાં આવશે. કંપની ઓટોમોટિવ લાઈટિંગ અને એક્સેસરિઝનો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ શરુ કરશે. આ કંપની અમદાવાદથી ૩૮ કિ,મી દૂર આવેલા સાણંદ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ-૨માં ૭૦,૦૦૦ સ્ક્વેર મીટર જમીન ખરીદશે, અને ઓગસ્ટ ૨૦૨૦ સુધીમાં પ્લાન શરુ થાય તેની શક્યતા છે.
અન્ય બે કંપની અસ્તિ કોર્પોરેશન અને મુરાકામી કોર્પોરેશનને માંડલના ઈન્ડસ્ટ્રીય એસ્ટેટમાં જમીન ફાળવવામાં આવી છે, બંન્ને કંપનીઓ ૧૦૦-૧૦૦ કરોડનું રોકાણ કરવાની યોજના ધરાવે છે. આ ઈન્ડસ્ટ્રીયલ વિસ્તાર અમદાવાદથી ૮૬ કિ.મી દૂર આવેલ છે.
અસ્તિ કોર્પોરેશનને ૩૦,૦૦૦ ચોરસ મીટર જમીનનો ટુકડો ફાળવાયો છે. આ કંપની ઓટોમોબાઈલ માટે ઈલેક્ટ્રિકલ સિસ્ટમનું ઉત્પાદ કરશે. કંપનીનો પ્લાન્ટ આગમી ઓક્ટોબરથી શરુ થાય તેવી શક્યતા છે. સુત્રોના જણાવ્યા અનુસાર મુરાકામી કોર્પોરેશને બાંધકામ શરુ પણ કરી દીધુ છે. અને આ કંપની નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦ના ત્રીજા ક્વાર્ટરથી પ્લાન્ટ શરુ કરવાની યોજના ધરાવે છે.
નોંધનીય છે કે, અત્યાર સુધીમાં ગુજરાતમાં ચાર ઓટોમોબાઈલ ઉત્પાદકોએ ૧૫૦૦૦ કરોડથી વધુનું રોકાણ કર્યું છે. વાહન બનાવતી કંપનીઓના આયોજનને આધારે જાપાનીઝ ઓટો કંપોનન્ટ મેકર્સ રોકાણ કરશે. ભારતમાં વાહનોની ખરીદી વધતા ગુજરાત ઝડપથી ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીની દિગ્ગજ કંપનીઓને આકર્ષી રહ્યું છે.