સીબીઆઈ વિરુદ્ધ સીબીઆઈની ચાલી રહેલી લડાઈના વિવાદમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી આજે ફરી એકવાર મંગળવાર સુધી ટળી ગઈ હતી. રજા ઉપર મોકલી દેવમાં આવેલા સીબીઆઈના ડિરેક્ટર આલોક વર્માને લઇને સેન્ટ્રલ વિજિલન્સ કમિશન (સીવીસી)ના રિપોર્ટને લઇને સુપ્રીમ કોર્ટ દ્વારા મહત્વપૂર્ણ ટિપ્પણી કરવામાં આવી છે. સાથે સાથે તેમની પાસેથી જવાબની માંગ પણ કરી છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈના નેતૃત્વવાળી બેંચે કહ્યું છે કે, સીવીસી રિપોર્ટમાં આલોક વર્માને ક્લિનચીટ આપવામાં આવી છે. આ રિપોર્ટ પર બેંચે આલોક વર્મા પાસેથી જવાબની માંગ કરી છે. આલોક વર્માના વકીલની માંગ ઉપર સીલબંધ કવરમાં સુપ્રીમ કોર્ટે સીવીસીની રિપોર્ટની કોપી રાખી હતી. બીજી બાજુ વર્માને પણ સીલબંધ કવરમાં પોતાનો જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે. વર્માના જવાબ બાદ ચુકાદો આપવામાં આવશે. સીવીસી રિપોર્ટમાં વર્માને લઇને કેટલીક બાબતો સારી, કેટલીક સામાન્ય અને કેટલીક પ્રશ્નો ઉઠાવવાવાળી કરવામાં આવી છે. પ્રશ્નો ઉઠાવવાવાળી બાબતમાં તપાસની જરૂર છે. સીબીઆઈની ગરિમાને જાળવવા માટે સીલબંધ કવરમાં જવાબની માંગ કરવામાં આવી છે.
આલોક વર્માને લઇને સીવીસી રિપોર્ટની નકલ રાકેશ અસ્થાનાના વકીલને સોંપવાનો ઇન્કાર કરી દેવામાં આવ્યો છે. અસ્થાના તરફથી ઉપસ્થિત થયેલા વકીલ મુકુલ રોહતાગીએ સીવીસીની કોપી માંગી હતી.
સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે પ્રશાંત ભૂષણના એનજીઓ કોમન કોઝને ફટકાર લગાવી હતી અને કહ્યું હતું કે, બિનજરૂરી પ્રશ્નો ઉઠાવવા યોગ્ય નથી. સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન સીબીઆઈના વચગાળાના ચેરમેન નાગેશ્વર રાવ તરફથી કરવામાં આવેલી બદલીના આદેશો અને મોઇન કુરેશીના કેસમાં આરોપી હૈદરાબાદના કારોબારી સતિષ બાબુની અરજી ઉપર સુનાવણીનો ઇન્કાર કર્યો હતો. સીબીઆઇના ડિરેક્ટર આલોક વર્માને લઇને સીવીસીના રિપોર્ટના આધાર પર જવાબની માંગ કરવામાં આવી છે. ચીફ જસ્ટીસ રંજન ગોગોઇના નેતૃત્વમાં સુપ્રીમ કોર્ટે કેટલીક બાબતોની ગંભીર નોંધ લીધી હતી. આલોક વર્મા પાસેથી જવાબની માંગ કરવામાં આવી છે. સીબીઆઈની અંદર ચાલી રહેલી આંતરિક લડાઈને લઇને મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચી ચુક્યો છે. અત્રે નોંધનીય છે કે ૧૨મી નવેમ્બરના દિવસે સુપ્રીમ કોર્ટે સીબીઆઈના ડિરેક્ટર આલોકકુમાર વર્મા સામે સુનાવણી શુક્રવાર સુધી મોકૂફ કરી દીધી હતી. ત્યારબાદ આજે ફરી સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સેન્ટ્રલ વિજિલન્સ કમિશન દ્વારા ૧૨મી નવેમ્બરના દિવસે સીલ કવરમાં સુપ્રીમ કોર્ટમાં તેનો અહેવાલ રજૂ કર્યો હતો. સીબીઆઈએ કાર્યકારી સીબીઆઈ ડિરેક્ટર નાગેશ્વર રાવ દ્વારા લેવામાં આવેલા તમામ મોટા નિર્ણય અંગેની માહિતી સીલ કવરમાં સુપ્રીમ કોર્ટને સોંપી હતી. કોર્ટને ૨૩મી ઓક્ટોબર બાદથી અધિકારીઓની બદલી અંગેની માહિતી પણ સોંપવામાં આવી હતી. અગાઉ સુપ્રીમ કોર્ટે વર્મા સામે તેની પ્રાથમિક તપાસ બે સપ્તાહની અંદર પરિપૂર્ણ કરવા માટે સેન્ટ્રલ વિજિલન્સ કમિશનને આદેશ કર્ય હતો. વર્મા અને સીબીઆઈના અન્ય અધિકારી રાકેશ અસ્થાના વચ્ચે ખેંચતાણનો મામલો વધુ તીવ્ર બન્યા બાદ અને બંને દ્વારા એકબીજા સામે ગંભીર પ્રકારના આક્ષેપો કર્યા પછી કેન્દ્ર સરકારે લાલઆંખ કરીને આ બંને અધિકારીઓને રજા ઉપર મોકલી દીધા હતા અને કાર્યકારી સીબીઆઈ ડિરેક્ટર તરીકે નાગેશ્વર રાવને જવાબદારી સોંપી હતી.
વર્મા ખાસ સીબીઆઈ ડિરેક્ટર રાકેશ અસ્થાના સાથે છેલ્લા ઘણા સમયથી ખેંચતાણમાં હતા. ત્રણ સભ્યોની સીવીસી સમક્ષ રજૂઆતો થઇ હતી. કેવી ચૌધરીના નેતૃત્વમાં ત્રણ સભ્યોની સીવીસી સમક્ષ તર્કદાર દલીલો થઇ હતી. કેન્દ્ર અને સીવીસીને નોટિસ જારી કરવા ઉપરાંત સુપ્રીમ કોર્ટે ૨૬મી ઓક્ટોબરના દિવસે સીબીઆઈ ડિરેક્ટરની સામે પ્રાથમિક તપાસ પૂર્ણ કરવા સીવીસીને બે સપ્તાહની મહેતલ આપી હતી. કોર્ટે વર્મા સામે સીવીસીની ચાલી રહેલી તપાસ ઉપર નજર રાખવા સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ એકે પટનાયકની નિમણૂંક કરી હતી.સાથે સાથે આઈપીએસ અધિકારી નાગેશ્વર રાવને કોઇ મોટા નિર્ણયો ન કરવા સૂચના આપવામાં આવી હતી. સીબીઆઇમાં અધિકારીઓ વચ્ચે જોરદાર ખેંચતાણ છે.