તમિળનાડુમાં ચક્રવાતી તોફાન ગાજાના કારણે ભયંકર તબાહી થઇ છે. રાજ્યમાં હજુ સુધી ૯૦૦૦૦થી પણ વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. ચક્રવાતી તોફાન સાથે સંબંધિત ઘટનાઓમાં ઓછામાં ઓછા ૧૮ લોકોના મોત થઇ ગયા છે અને અનેક લોકો લાપત્તા હોવાનું જાણવા મળી રહ્યું છે. રાજ્યના અનેક જિલ્લામાં તોફાનના લીધે મકાનોને નુકસાન થયું છે. મોટી સંખ્યામાં વૃક્ષો ધરાશાયી થયા છે. વરસાદના લીધે ત્રીચીમાં વિજ પુરવઠો ખોરવાઈ ગયો છે. મોબાઇલ સિગ્નલો પણ ખોરવાઈ ગયા છે. વાવાઝોડાના પરિણામ સ્વરુપે મીઠાના ઉત્પાદનને પણ માઠી અસર થઇ છે. આને લઇને મુખ્યમંત્રી પલાનીસામીએ કહ્યું છે કે, ૯૦૦૦૦ લોકોને ૪૭૧ સરકારી રાહત કેમ્પોમાં પહોંચાડવામાં આવ્યા છે. તોફાનગ્રસ્ત વિસ્તારોમાં જવાની યોજના પણ મુખ્યમંત્રી બનાવી રહ્યા છે. ગાજાના પરિણામ સ્વરુપે મોટી સંખ્યામાં લોકોના મોત પણ થઇ ચુક્યા છે. વહીવટીતંત્ર દ્વારા નુકસાનની ખાતરી કરવામાં આવી રહી છે. ગાજાના લીધે નાગાપટ્ટીનમ જિલ્લામાં સૌથી વધારે નુકસાન થયું છે. સ્થિતિને ધ્યાનમાં લઇને રામનાથપુરમ અને તુતીકોરિનમાં માછીમારોને દરિયાથી દૂર રહેવા માટે કહેવામાં આવ્યું છે. રાજ્ય સરકારે જાહેરાત કરી છે કે, મૃતકોના પરિવારને ૧૦-૧૦ લાખ રૂપિયા આપવામાં આવશે જ્યારે ગંભીરરીતે ઘાયલ થયેલાઓને એક-એક લાખ રૂપિયા તથા ઓછા ઘાયલ લોકોને ૨૫ હજાર રૂપિયાની આર્થિક મદદ આપવામાં આવશે.
સ્થિતિને સામાન્ય બનાવવાના સરકાર દ્વારા પ્રયાસ થઇ રહ્યા છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરાઈ છે. તમિળનાડુમાં એનડીઆરએફની નવ અને પુડ્ડુચેરીમાં બે ટીમોને પહેલાથી જ એલર્ટ પર રાખવામાં આવી હતી. આ ઉપરાંત ૩૧ હજાર બચાવ અને રાહત કર્મચારી તૈનાત કરવામાં આવ્યા છે. આ તમામ લોકો રાહત કામગીરીમાં લાગેલા છે. ધારણા પ્રમાણ ગાજા ચક્રવાતી તોફાન તમિળનાડુના પમ્બન અને કડલોર વચ્ચે દરિયા સાથે ટકરાતા તેની માઠી અસર જોવા મળી હતી. આ ગાળા દરમિયાન આશરે ૧૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાતા ચારેબાજુ ભારે તબાહી થઇ હતી. વૃક્ષો ધરાશાયી થઇ ગયા હતા. ઘરોને ભારે નુકસાન થયુ હતુ. હવામાન વિભાગે માહિતી આપતા કહ્યુ છે કે તોફાન પશ્ચિમ તરફ આગળ વધ્યા બાદ ધીમે ધીમે કમજોર થશે. તમિળનાડુના કુડ્ડાલોર, પંબા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. અનેક કાચા મકાનોના છાપરા ઉડી ગયા હતા. ભારે વરસાદ બાદ તંત્ર સાબદુ બન્યું છે. વાવાઝોડા અને તોફાનની અસર હેઠળ ગઇકાલે મોડી સાંજે ભારે વરસાદનો દોર શરૂ થઇ ગયો હતો. ઘણી જગ્યાએ તીવ્ર પવન પણ ફુંકાઈ રહ્યા છે. આની અસર તમિળનાડુ અને કેરળમાં જોવા મળી શકે છે. તમિળનાડુના જુદા જુદા વિસ્તારમાં ભારે નુકસાન પહેલાથી જ થયુ છે. આને લઇને એલર્ટની જાહેરાત પણ કરવામાં આવી છે. પુડ્ડુચેરીના કરાઈકાલ જિલ્લામાં પણ નુકસાનની વકી છે. તમિળનાડુના પાટનગર ચેન્નાઈ દરિયા કાંઠેથી આશરે ૭૩૦ કિલોમીટરના અંતરે સ્થિત ચક્રવાતી વાવાઝોડુ ગાજા પહોંચ્યું છે અને ઝડપથી આગળ વધે તેવી શક્યતા છે. આગામી ૧૨ કલાકમાં આંદામાન દરિયામાં ન જવા માછીમારોને કહેવામાં આવ્યું છે. ચેતવણીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, માછીમારોને સાવચેતી રહેવા કહેવામાં આવ્યું છે. વાવાઝોડાની અસરને ટાળવા તમિળનાડુ, પોંડીચેરી અને આંધ્રપ્રદેશમાં જુદા જુદા પગલા લેવાઈ રહ્યા છે.