તામિલનાડુના દરિયા કિનારે વાવાઝોડું ગાજા દસ્તક દઇ ચૂક્યું છે, ધરતી પર આ વાવાઝોડાની ગતિ અંદાજે ૯૦થી ૧૦૦ કિમી પ્રતિકલાક નોંધવામાં આવી છે. વાવાઝોડાના પગલે ગુજરાતમાં પણ દરિયાકાંઠે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ખાસ કરીને દ્વારકા, અમરેલી-જાફરાબાદ પોર્ટ પર એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. વિગત પ્રમાણે હવામાન વિભાગે વાવાઝોડું ગાજાની થોડીઘણી અસર ગુજરાતના દરિયાકાંઠે વર્તાશે, જેના કારણે માછીમારો માટે સૂચનાઓ જાહેર કરવામાં આવી છે. જેમાં દ્વારકા-ઓખા-સલાયા સહિતના બંદરે એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.
પોર્ટ બંદર પર પણ એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. દરિયામાં ભારે પવન ફૂંકાવાની આગાહીને પગલે ભયસૂચક સિગ્નલ લગાવવામાં આવ્યું છે. તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. વાવાઝોડું ’ગાજા’ તમિલનાડુના કિનારે અથડાઇ ગયું છે. શુક્રવારની મોડી રાતે ૧.૪૦ કલાકે આ વાવાઝોડાએ તમિલનાડુના નાગાપટ્ટિનમ પાસે લેંડફોલ કર્યો. લેંડફોલ દરમિયાન હવાની ગતિ આશરે ૯૦-૧૦૦ કિમી પ્રતિકલાક નોંધવામાં આવી છે. હાલ મળતી માહિતી પ્રમાણે રાજ્યમાં અત્યાર સુધી ૧૨,૦૦૦ વીજળીના થાંભવા તૂટી પડ્યા છે. આ વાવાઝોડાને કારણે કુલ ૨૦ લોકોના મોત નીપજ્યા છે. સરકારે મૃતકોના પરિવારને ૧૦ લાખની સહાય આપવાની જાહેરાત કરી છે. હવામાન વિભાગ પ્રમાણે વાવાઝોડું ગાઝા નાગપટ્ટનમ અને વેદારનિયમ વચ્ચે પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ કિનારાઓ પરથી આગળ વધી રહ્યું છે. આ તોફાન પશ્ચિમ તરફ આગળ વધશે અને આવનારા ૬ કલાકોમાં ધીરે ધીરે નરમ પડવા લાગશે. ૭૬૦૦૦ લોકોના ઘર ખાલી કરાવવામાં આવ્યાં છે.