પીએમ મોદીને રાફેલ સોદા મુદ્દે ૧૫ મિનિટ ચર્ચા કરવા રાહુલ ગાંધીનો પડકાર

671

આગામી વિધાનસભા ચૂંટણીને લઇને રાહુલ ગાંધી ભાજપ પર સતત હુમલા કરી રહ્યા છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પડકાર આપતા જણાવ્યું છે કે, તેઓ માત્ર ૧૫ મિનિટ માટે રાફેલ ડીલ પર તેમની સાથે ચર્ચા કરી લે. છત્તીસગઢના અંબિકાપુરમાં મીડિયા સાથે વાતચીત કરતા રાહુલ ગાંધીએ પીએમ મોદીને તેમની સાથે ચર્ચા કરવાનો પડકાર આપ્યો છે. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, હું મોદીજીને પડકાર આપું છું કે તેઓ કોઇપણ પ્રદેશમાં મારી સાથે સ્ટેજ પર આવે અને ૧૫ મિનિટ સુધી રાફેલ પર ડિબેટ કરે. હું અનિલ અંબાણી, એચએએલ અને ફ્રાન્સના રાષ્ટ્રપતિએ જે કહ્યું છે હું તેના જ વિશે વાત કરીશ.

હું કહીશ કે, ૫૨૬ કરોડ રૂપિયાના લડાકૂ વિમાન પીએમએ ૧૬૦૦ કરોડ રૂપિયામાં ખરીદ્યા. હું કહીશ કે, તેમણે કોઇપણ પ્રક્રિયાને અનુસરી નથી. હું કહીશ કે, રક્ષામંત્રીએ સ્પષ્ટ જણાવ્યું હતું કે, આ ડીલ મેં નહિ પરંતુ વડાપ્રધાને કરી છે. હું કહીશ કે, ફ્રાન્સના રાષ્ટ્રપતિએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, કોને કોન્ટ્રેકટ મળવો જોઇએ. હું કહીશ કે, સીબીઆઇના ડાયરેક્ટરને રાત્રે ૨ વાગ્યે કેમ ખસેડી દેવાયા. રાહુલે જનસભાને સંબોધિત કરતા ખેડૂતોની લોન માફી અંગે વાયદા પણ કર્યા. રાહુલે જણાવ્યું હતું કે, અમારી સરકાર બનવાના ૧૦ દિવસની અંદર ખેડૂતોના દેવા માફ કરવામાં આવશે.

મોદીજી તમે ૧૦ દિવસ ગણજો. ૧૦ દિવસની અંદર કોંગ્રેસ ખેડૂતોના દેવા માફ કરશે. ભાજપના નેતાઓએ મને પ્રશ્ન કર્યો હતો કે, ખેડૂતોના દેવા માફ કરવા માટે નાણાં કયાંથી લાવશો, આ વાત પર હું કહેવા માંગુ છું કે, આ નાણાં માલ્યા, નીરવ મોદી, અનિલ અંબાણી પાસેથી લઇને આવીશું.

Previous articleજો સાઈકલ રોકશો તો તમારા હાથ હેન્ડલ પરથી હટાવી દઈશું : અખિલેશ
Next articleભીમા કોરેગાંવ કેસ : વરવરા રાવની ફરીવાર ધરપકડ થઇ