અંતે મરાઠા અનામતનો માર્ગ મોકળો : બિલને મંજુરી મળી

1142

મહારાષ્ટ્રમાં મરાઠા અનામતને લઇને રાજ્યની દેવેન્દ્ર ફડનવીસ સરકારે મોટુ પગલું લીધું છે. ફડનવીસ કેબિનેટે મરાઠા અનામત માટે બિલને લીલીઝંડી આપી દીધી છે. આની સાથે જ રાજ્યમાં મરાઠા અનામત માટેનો માર્ગ મોકળો થઇ ગયો છે. આ પહેલા મુખ્યમંત્રી ફડનવીસે અહેમદનગરમાં મરાઠા અનામતને લઇને કહ્યું હતું કે, ડિસેમ્બર મહિનામાં મરાઠા સમુદાયના લોકો ઉજવણી કરવાની તૈયારી કરે તે સમય આવી ગયો છે. આજે ફડનવીસે કેબિનેટના નિર્ણય અંગે માહિતી આપતા કહ્યું હતું કે, મરાઠા સમાજને અનામત આપવા માટે સહમતિ થઇ ચુકી છે.

આ સંબંધમાં કેબિનેટની બેઠક દરમિયાન એસસીબીસી બિલ ઉપર મંજુરીની મહોર મારી દેવામાં આવી છે. સરકાર નક્કરપણે માને છે કે, મરાઠા સમુદાય શૈક્ષણિક અને સામાજિકરીતે પછાત છે. આ પહેલા ગુરુવારના દિવસે રાજ્ય પછાત વર્ગ પંચે મરાઠા અનામતને લઇને પોતાનો અહેવાલ મુખ્ય સચિવને આપી દીધો હતો. એજ દિવસે અહેમદનગરમાં એક રેલી દરમિયાન મુખ્યમંત્રી ફડનવીસે આ રિપોર્ટનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે, અમને પછાત વર્ગ આયોગથી મરાઠા અનામત પર અહેવાલ મળી ગયો છે. તમામને નિવેદન કરવા માંગે છે કે, પહેલી ડિસેમ્બરના દિવસે ઉજવણી કરવાની તૈયારી કરવામાં આવે. આ વર્ષે જુલાઈ મહિનામાં રાજ્યમાં મરાઠા અનામતને લઇને જુદા જુદા સ્થળો ઉપર આંદોલન થયા હતા. અનેક જગ્યાએ આંદોલને હિંસક સ્વરુપ ધારણ કર્યું હતું. ત્યારબાદ ઓગસ્ટ મહિનામાં ફડનવીસ સરકારે અનામતને લઇને રચનાત્મક પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે, રાજ્યના જુદા જુદા ક્ષેત્રોના નેતાઓ સાથે બેઠક યોજાઈ ચુકી છે. મરાઠા સમુદાયને કાયદાકીયરીતે અનામત આપવા માટે એક સંયુક્ત નિવેદન ઉપર હસ્તાક્ષર થયા છે. રાજ્ય સરકાર મરાઠા અનામતને સમર્થન આપવાના મુદ્દે સંપૂર્ણપણે મક્કમ છે. વહેલીતકે જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવશે. ફડનવીસે કહ્યું હતું કે, અમને આ બાબત વાસ્તવમાં સાબિત કરવી પડશે કે મરાઠા સામાજિક અને શૈક્ષણિકરીતે પછાત થયેલા છે. તેમની અસામાન્ય પરિસ્થિતિ અને પછાતપણાને ધ્યાનમાં લઇને મરાઠા લોકોને અનામત આપવામાં આવે તે જરૂરી છે. આઝાદ મેદાન મરાઠા ક્રાંતિ મોરચાએ અનામતના મુદ્દે ૨૫મી જુલાઈના દિવસે મુંબઈ બંધની હાકલ કરી હતી. ત્યારબાદ નવી મુંબઈમાં જોરદાર હિંસા થઇ હતી. દેવેન્દ્ર ફડનવીસ કેબિનેટના નિર્ણયને ખુબ મહત્વપૂર્ણ પગલા તરીકે જોવામાં આવે છે.

Previous articleજમ્મુ કાશ્મીરમાં અથડામણમાં બે ખૂંખાર આતંકવાદીઓ ઠાર
Next articleપંજાબ : ધાર્મિક કાર્યક્રમમાં ગ્રેનેડ હુમલો, ૩ મોત, અનેક ઇજાગ્રસ્ત