ભાવનગર જીલ્લાના પાલીતાણા નજીકનું મુંડકીધાર ગામ કે જે વર્ષ ૨૦૧૪ ની લોકસભા ચુંટણી પૂર્વે પોતાની બે માંગો ને લઈને સરકાર સામે લડી રહ્યું છે.
અલગ ગ્રામપંચાયત અને જેસર માંથી પાલીતાણા તાલુકામાં સમાવેશની માંગ ને લઈને આજદિન સુધીની લડતમાં કોઈ પરિણામ ના આવતા આ ગામના લોકોએ ફરી વિધાનસભા ચુંટણી પૂર્વે તેની માંગ પૂર્ણ કરવા અનુરોધ કર્યો છે અને જો સરકાર તેની માંગ પૂર્ણ નહિ કરે તો આવનારી ચુંટણી માં ફરી મતદાન બહિષ્કાર ની ચીમકી ઉચ્ચારી છે.
ચુંટણી આવે ત્યારે લોકો પોતાના પડતર પ્રશ્નોને લઈને સરકારનું નાક દબાવે છે.આવા સમયમાં જ નેતાઓને મત ની ગરજ હોય છે અને લોકોના કામ પુરા કરે છે .ત્યારે પાલીતાણા નજીકનું મુંડકીધાર ગામ કે જે આઝાદી બાદથી જૂથ ગ્રામપંચાયત ધરાવે છે. મુંડકીધાર અને ચોક ગામની સંયુક્ત ગ્રામપંચાયત આજે પણ અમલમાં છે. મુંડકીધાર ગામ હવે શેત્રુંજી ડેમના કાંઠે વસી રહ્યું છે.
આ ગામ તો ત્યાં જ છે પરંતુ હવે બારેમાસ આ શેત્રુંજી ડેમ માં પાણી ભરાઈ રહેતા ચોક અને મુંડકીધાર ગામ અલગ થઇ ગયા છે.
આ પહેલા આ બંને ગામ વચ્ચે અંતર માત્ર ૧ કિમી હતું પરંતુ હવે પાણી એ હવે આ બંને ગામો ને અલગ કરી નાખ્યા છે .પરંતુ હજુ પણ આ બંને ની સંયુક્ત ગ્રામપંચાયત આજે પણ ચાલી રહી છે.
બંને ગામ વચ્ચે શેત્રુંજી ડેમ ના પાણી ના કારણે અંતર વધી ગયું છે.જેમાં મુંડકીધારથી ફરીને ચોક જવા માટેનું અંતર ૫૦ કિમી થાય છે .જેથી મુંડકીધારના ખેડૂતોને નાના મોટા કામ માટે ખુબ લાંબુ થવું પડે છે. આ ગામના લોકો દ્વારા અલગ ગ્રામપંચાયત ની માંગ કરવામાં આવી છે .આ અલગ ગ્રામપંચાયત માંગ નું એક બીજું પણ કારણ છે જેમાં આ ગામમાં રોજગારીનું કોઈ સાધન નથી.ખેતી છે પરંતુ જમીન માં પાણી નથી.
આ ગામ ઉચાઇ પર હોય ગામ ને ડેમના પાણી નો પણ એક પણ રીતે લાભ મળતો નથી .ત્યારે આ ગામ પ્રાથમિક જરૂરીયાત બાબતે પણ વલખા મારી રહ્યું છે.
આ ગામ કે જયાના ૯૦ ટકા મકાન કાચા છે .અહી લોકો પાસે આવક નું કોઈ સાધન ના હોય અને ખેતી પણ વરસાદ આધારિત હોય ગામ ના લોકો પાસે પૂરતા રૂપિયાની આવક ના થતા ગામના લોકો કાચા મકાનમાં રહેવા મજબુર છે .ડેમ ના કાંઠે વસેલું મુંડકીધાર ગામ પાણી માટે તરસી રહ્યું છે ત્યારે ગત લોકસભા ચુંટણી પૂર્વે જેસર તાલુકો નવા બનાવતા મુંડકીધાર ને પાલીતાણા તાલુકા માંથી જેસર તાલુકા માં સમાવેશ કરી આ ગામની મુશ્કેલી માં વધારો કર્યો હતો.
મુંડકીધાર થી પાલીતાણા માત્ર ૧૭ કિમી છે જયારે જેસર ૭૦ કિમી થાય છે જેથી લોકો ને સરકારી કે અન્ય કામો માટે તાલુકા મથકે જવામાં ભારે મુશ્કેલી પડી રહી છે .બંને માંગ ને લઈને ગ્રામજનો દ્વારા સરકાર પાસે રજૂઆત કરવામાં આવી હતી જેનો યોગ્ય ઉકેલ ના આવતા ગ્રામજનો દ્વારા લોકસભા-૨૦૧૪ માં મતદાન નો બહિષ્કાર કરી એક પણ મત મતપેટી માં ના પાડી સરકાર ને મુશ્કેલીમાં મૂકી હતી.ત્યારબાદ ત્રણ વર્ષ થઇ ગયા પરંતુ આ માંગ નો આજદિન સુધી કોઈ નિકાલ ના આવતા મુંડકીધાર ના ગ્રામજનો દ્વારા ફરી વિધાનસભા-૨૦૧૭ ની ચુંટણી પૂર્વે જૂની માંગ પર અડગ રહી સરકાર પાસે માંગ પૂર્ણ કરવા અનુરોધ કર્યો છે ને જો માંગ પૂર્ણ ના થાય તો મુંડકીધાર ના લોકોએ મતદાન બહિષ્કાર ની ચીમકી ઉચ્ચારી છે.