ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે ૭૦ ઉમેદવારોની પ્રથમ યાદી ગઇકાલે શુક્રવારે જાહેર કરવામાં આવ્યા બાદ આ યાદીમાં રહેલા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતને લઇને રાજકીય વર્તુળો અને સામાન્ય લોકોમાં ચર્ચા રહી છે. બીજી બાજુ ભાજપ પ્રદેશ મિડિયા સેલે માહિતી આપતા કહ્યુ છે કે વિધાનસભા ચૂંટણી માટે જાહેર કરવામાં આવેલા ૭૦ ઉમેદવારો વિવિધ વ્યવસાય, શૈક્ષણિક લાયકાત સહિત જુદા જુદા વિવિધ સામાજિક , ધાર્મિક અને વેપાર ક્ષેત્ર સાથે સંકળાયેલા છે.
યુવા અને અનુભવી આગેવાનો યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. આ યાદી મુજબ ૩૦ ઉમેદવારો સ્નાતક, ચાર અનુસ્તાનક સાથે ૧૪ જેટલા ઉમેદવારો કાયદાની ડિગ્રી ધરાવે છે. આવી જ રીતે પાંચ ઉમેદવારો એન્જિનિયરિંગનો અભ્યાસ કરી ચુક્યા છે. એક તબીબ સહિત ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોનો સમાવેશ થાય છે. આ પૈકી ૩૮ ઉમેદવારો ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ૧૫ ઉમેદવારો સહકારી ક્ષેત્ર સાથે અને ૧૨ ઉમેદવારો સાર્વજનિક -ધાર્મિક ક્ષેત્રે જોડાયેલા છે.
૧૨ ઉમેદવારો વેપાર અને વાણિજ્ય સાથે જોડાયેલા છે. પ્રદેશ મિડિયા સેલની યાદીમાં કહેવામાં આવ્યુ છે કે બે સરકારી નિવૃત અધિકારીઓને પણભાજપ દ્વારા ટિકિટ આપવામાં આવી છે. ભાજપની યાદીમાં વિવિધ વ્યવસાય અને શૈક્ષણિક કારકિર્દી ધરાવતા ઉમેદવારો રહેલા છે. ભાજપની યાદી ગઇકાલે શુક્રવારે જાહેર કરવામાં આવી હતી.