સીબીઆઇમાં હાલમાં ચાલી રહેલી ખેંચતાણના કારણે નવી નવી વિગતો દરરોજ સપાટી પર આવી રહી છે. સીબીઆઇમાં અધિકારીઓના વિવાદના મામલે સુનાવણી આજે સુપ્રીમ કોર્ટે ૨૯મી નવેમ્બરના દિવસ સુધી ટાળી દીધી હતી. સુપ્રીમ કોર્ટમાં સીબીઆઇ ડિરેક્ટર આલોક વર્મા પર સીવીસીના રિપોર્ટ અને તેના પર વર્માના જવાબ પર સુનાવણી આજે હાથ ધરવામાં આવી હતી. ચીફ જસ્ટીસ રંજન ગોગોઇએ આલોક વર્માના જવાબ મિડિયામાં લીક થવાના મામલે જોરદાર નારાજગી વ્યક્ત કરી હતી.
સોમવારના દિવસે સીબીઆઇના ડિરેક્ટર વર્માએ તેમના પર ભ્રષ્ટાચારના મુકવામાં આવેલા આરોપોને લઇને સીવીસીના રિપોર્ટ પર જવાબ રજૂ કર્યો હતો. વર્માનો જવાબ મિડિયામાં લીક થયા બાદ તેને લઇને કેટલાક રિપોર્ટ મિડિયામાં લીક થઇ ગયા હતા. આજે સુનાવણી શરૂ થતાની સાથે જ ચીફ જસ્ટીસે મામલાના તથ્યોની માહિતી મેળવવાને લઇને નારાજગી વ્યક્ત કરી હતી. એમ કહેવામાં આવે છે કે એક ઓનલાઇન પોર્ટલ પર વર્માના જવાબના આધાર પર રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. જેને લઇને સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી.સીવીસીના પ્રારંભિક રિપોર્ટ પર ૧૭મી નવેમ્બરના દિવસે આલોક વર્માને સીલ કવરમાં રીપોર્ટ રજૂ કરવા માટે આદેશ કર્યો હતો.સીબીઆઈ વિરુદ્ધ સીબીઆઈની ચાલી રહેલી લડાઈના વિવાદમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ૧૬મી નવેમ્બરના દિવસે ફરી એકવાર આજે મંગળવાર સુધી ટળી ગઈ હતી.આજે મંગળવારના દિવસે પણ સુનાવણી ૨૯મી નવેમ્બર સુધી સુનાવણી ટાળી દેવામાં આવી હતી.અગાઉ આલોક વર્માના વકીલની માંગ ઉપર સીલબંધ કવરમાં સુપ્રીમ કોર્ટે સીવીસીની રિપોર્ટની કોપી રાખી હતી. બીજી બાજુ વર્માને પણ સીલબંધ કવરમાં પોતાનો જવાબ આપવા માટે કહેવામાં આવ્યુ હતુ. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે પ્રશાંત ભૂષણના એનજીઓ કોમન કોઝને ફટકાર લગાવી હતી અને કહ્યું હતું કે, બિનજરૂરી પ્રશ્નો ઉઠાવવા યોગ્ય નથી. સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન સીબીઆઈના વચગાળાના ચેરમેન નાગેશ્વર રાવ તરફથી કરવામાં આવેલી બદલીના આદેશો અને મોઇન કુરેશીના કેસમાં આરોપી હૈદરાબાદના કારોબારી સતિષ બાબુની અરજી ઉપર સુનાવણીનો ઇન્કાર કર્યો હતો. સીબીઆઇના ડિરેક્ટર આલોક વર્માને લઇને સીવીસીના રિપોર્ટના આધાર પર જવાબની માંગ કરવામાં આવી હતી. વર્મા અને સીબીઆઈના અન્ય અધિકારી રાકેશ અસ્થાના વચ્ચે ખેંચતાણનો મામલો વધુ તીવ્ર બન્યા બાદ અને બંને દ્વારા એકબીજા સામે ગંભીર પ્રકારના આક્ષેપો કર્યા પછી કેન્દ્ર સરકારે લાલઆંખ કરીને આ બંને અધિકારીઓને રજા ઉપર મોકલી દીધા હતા અને કાર્યકારી સીબીઆઈ ડિરેક્ટર તરીકે નાગેશ્વર રાવને જવાબદારી સોંપી હતી.
કેન્દ્ર અને સીવીસીને નોટિસ જારી કરવા ઉપરાંત સુપ્રીમ કોર્ટે ૨૬મી ઓક્ટોબરના દિવસે સીબીઆઈ ડિરેક્ટરની સામે પ્રાથમિક તપાસ પૂર્ણ કરવા સીવીસીને બે સપ્તાહની મહેતલ આપી હતી.