ગુજરાતમાં નર્મદા નદીના કિનારે આકાર પામેલી સરદાર પટેલની વિશાળ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની ૧૮ દિવસમાં જ ૨ લાખ કરતા વધારે પ્રવાસીઓએ મુલાકાત લીધી છે. તેમજ આ સમયગાળામાં સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટને રૂ. ૪.૩૬ કરોડ જેટલી આવક થઈ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની દરરોજ હજારોની સંખ્યામાં પ્રાવાસીઓ મુલાકાત લે છે. કેવડીયા ખાતે નર્મદા નદીના કિનારે રૂ. ૩ હજાર કરોડના ખર્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટી તૈયાર કરવામાં આવ્યું છે. તા.૩૧મી ઓક્ટોબરના રોજ સરદાર પટેલ જયંતિના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કર્યું હતું. તેમજ પ્રવાસીઓ માટે તા. ૧લી નવેમ્બરથી ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખુલ્લુ મુકાયા બાદ દરરોજ હજારોની સંખ્યામાં દેશ-વિદેશથી પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા આવે છે. દિવાળીના તહેવારોમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યાં હતા. તંત્ર દ્વારા પ્રવાસીઓ માટે ટેન્ટ સિટીની વ્યવસ્થા કરવામાં આવી છે. મુલાકાતીઓ વ્યુ ગેલરીમાંથી સરદાર સરોવર ડેમ સહિતના આસપાસના નજારા જોઈને આશ્ચર્ય ચકિત થઈ જાય છે. ગત રવિવારે ૧૩૮૩૪ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. જેથી તંત્રને રૂ. ૩૧.૫૧ લાખની આવક થઈ હતી. દરમિયાન ગઈકાલે સોમવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધ હોવાથી મુલાકાતે આવેલા પ્રવાસીઓએ હંગામો મચાવ્યો હતો. જો કે, અધિકારીઓએ પ્રવાસીઓને સમજાવીને મામલો થાળે પાડ્યો હતો.