અમૃતસરમાં બ્લાસ્ટના બે દિવસ બાદ દેશની રાજધાની દિલ્હીમાં રેડ એલર્ટ જાહેર કરી દેવાયું છે. દિલ્હી પોલીસે મંગળવારના રોજ બે સંદિગ્ધોની તસવીર પણ જાહેર કરી છે, જેને જૈશ-એ-મોહમ્મદના આતંકીઓ જણાવાઈ રહ્યા છે. કોઈ મોટા હુમલો કરવાનું કાવતરું રચાઈ રહ્યું તેવી આશંકા પાલીસે વ્યક્ત કરી છે. પોલીસે કહ્યું કે કોઈ મોટા ષડયંત્રને સાકાર કરવા માટે દિલ્હીમાં ઘુસી આવ્યા છે. ઉલ્લેખનીય છે કે પોલીસે ગેસ્ટ હાઉસ, હોટેલ્સ સહિત ઘણી બધી જગ્યાઓની તપાસ હાથ ધરી છે. પોલીસની રડાર પર દિલ્હીના એવા ઘણા બધા વિસ્તારો છે જ્યાં અવારનવાર વિદેશીઓ આવતા રહેતા હોય છે. પોલીસે સ્થાનિક લોકોને નિવેદન કર્યું છે કે આ બેમાંથી કોઈ પણ તમને જોવા મળે તો તરત જ ફોન કરીને પોલીસને જાણ કરવી. બંને સંદિગ્ધોના ફોટોગ્રાફ્સ સમગ્ર શહેરમાં ઠેર-ઠેર લગાવી દીધા છે જેથી લોકો પણ તે બંનેથી સાવચેત રહી શકે.
પોલીસે જે ફોટોગ્રાફ શેર કર્યો છે તેમાં તે બંને સંદિગ્ધ આતંકીઓ એક માઈલસ્ટોન પાસે ઉભા છે જેના પર દિલ્હી ૩૬૦ કિલોમીટર દૂર એવું લખેલું છે. તેમજ ફિરોઝપુર નવ કિલોમીટર દૂર એવું પણ લખેલુ છે. ઉલ્લેખનીય છે કે એડવાઈઝરી એવા સમયમાં જાહેર કરવામાં આવી છે જ્યારે બે દિવસ પહેલા જ જૈશ-એ-મોહમ્મદના સાત આતંકીઓ રાજધાની દિલ્હીમાં ઘુસી આવ્યા હોવાની આશંકાને લઈને સુરક્ષાદળ હાઈ એલર્ટ પર છે.
દિલ્હી પોલીસને મળેલ જાણકારી અનુસાર, કાશ્મિરનો ખૂંખાર આતંકી જાકીર મૂસા પોતાના સાથીઓ સાથે પંજાબ દ્વારા થઈને દિલ્હી અથવા એનસીઆરમાં આશરો લઈ શકે છે. મંગળવારે દિલ્હીમાં હિઝબુલ મુજાહિદ્દીનના એક આતંકીની ધરપકડ કરી લેવામાં આવી હતી.