એક અમેરિકી ફિલ્મ સર્જકે મુંબઇની કોર્ટમાં કેસ દાખલ કરતાં એવી વિનંતી કરી હતી કે અક્ષય કુમાર અને વિદ્યા બાલનને મુખ્ય રોલમાં ચમકાવતી ફિલ્મ મિશન મંગળનું નિર્માણ કાર્ય તત્કાળ અટકાવવામાં આવે. આ પ્રોજેક્ટ અમારો છે અને એની ગેરકાયદે ઊઠાંતરી કરવામાં આવી છે. અમેરિકી ફિલ્મ સર્જક રાધા ભારદ્વાજે પોતાની અરજીમાં એવો દાવો કર્યો હતેા કે ૨૦૧૪માં ભારતે આદરેલા મંગળ અભિયાનની સ્ક્રીપ્ટ સૌથી પહેલાં મેં તૈયાર કરી હતી અને એની ફિલ્મ બનાવવાની મારી તૈયારી ચાલુ હતી.
દરમિયાન, ૨૦૧૬માં અતુલ કસબેકર સાથે મારી મુલાકાત થઇ ત્યારે મેં એમને આ સ્ક્રીપ્ટ દેખાડી હતી. એ સમયે મને કલ્પના સુદ્ધાં નહોતી કે મારી સ્ક્રીપ્ટની ઊઠાંતરી થશે. આર બાલ્કી પ્રોડક્શન્સ દ્વારા જે ફિલ્મ બની રહી છે એ હકીકતમાં મારો પ્રોજેક્ટ છે અને મારા પ્રોજેક્ટનો કોપીરાઇટ ભંગ થાય એ રીતે આ ફિલ્મ બની રહી છે. વિદ્યા બાલન જે ફિલ્મ બનાવી રહી છે એ વિચાર એને કસબેકરે મારી સ્ક્રીપ્ટના આધારે આપ્યો હતો.