ડિસ્ટ્રીક્ટ શોપિંગ સેન્ટરમાં વર્ષોથી બંધ રહેલા ફૂવારા કાઢી નાખીને તે વિશાળ જગ્યામાં વાહન ર્પાકિંગ ઉભા કરવા તત્કાલીન ચીફ સેક્રેટરીએ જાહેર જનતાની રૂબરૂમાં આદેશ કર્યો ત્યારે તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર અને કલેકટરે જી સર.. જી સર કહ્યુ હતું. પરંતુ સેક્ટર ૨૧ના વાણિજ્ય વિસ્તારમાં તે વાતનો અમલ કરાયો નથી.
રાજ્યના તત્કાલીન મુખ્ય સચિવ ડી. જે પાંડિયન સુધી સેક્ટર ૨૧ના વાણિજ્ય વિસ્તારમાં વાહન પાર્ક કરવા માટે સર્જાતી રોજીંદી મોકાણની અને આ વિસ્તારમાં સફાઇના નામે મીંડુ મુકાયેલુ રહેતું હોવાની ફરિયાદો પહોંચ્યા પછી આકસ્મિક જ સ્થળ મુલાકાત ગોઠવતાં મહાપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર ઉપરાંત પાટનગર યોજના વિભાગના અધિકારીઓ દોડતાં થઇ ગયા હતાં. સમગ્ર કાફલો મારતે ઘોડે સ્થળ પર પહોંચ્યો ત્યારે તો ચીફ સેક્રેટરીએ સ્થાનિક વેપારીઓ તથા અહીં આવતા ગ્રાહકો સાથે ચર્ચાઓ કરીને હયાત સ્થિતિનો તાગ પણ મેળવી લીધો હતો.
સેક્ટર ૨૧માં ડિસ્ટ્રીક્ટ શોપિંગ સેન્ટરમાં ખુબ મોટી જગ્યામાં ફૂવારા મુકાયા છે, તે વર્ષોથી બંધ હાલતમાં છે. આ જગ્યાએ વાહનો માટે ર્પાકિંગ પ્લેસ ઉભા થઇ શકે તેમ છે. આ મુદ્દે પાંડિયને જિલ્લા તંત્ર, મહાપાલિકા અને પાટનગર યોજના વિભાગના અધિકારીઓ સાથે સ્થળ પર જ વાત કર્યા પછી ફૂવારા હટાવીને ર્પાકિંગ પ્લેસ ઉભા કરવા આદેશ આપ્યો હતો. પરંતુ વર્ષો વિતવા છતાં આ કામ કરાયું નથી. મતલબ કે, મુખ્ય સચિવના આદેશને અધિકારીઓ ઘોળીને પી ગયા છે. પાટનગર યોજના વિભાગમાં પૂછતાં અધિકારી સુત્રોએ જણાવ્યું કે આ વાત ભૂલાવી દેવાઇ નથી, જો મહાપાલિકા યોજના બનાવે તો આગળ વધાશે.