રાજ્યના ચૂંટણી પંચ તરફથી જસદણ વિધાનસભા પેટા ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. તારીખ જાહેર કરતાની સાથે જ આચારસંહિતાનો અમલ થઈ ગયો છે. આ બેઠક પર હવે ૨૦મી ડિસેમ્બરના રોજ ચૂંટણી યોજાશે. ત્રણ દિવસ બાદ એટલે કે ૨૩મી ડિસેમ્બરના રોજ ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે. ૨૬મી નવેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ કાર્યવાહી ત્રીજી ડિસેમ્બર સુધી ચાલશે. બાદમાં ફોર્મની ચકાસણી કર્યા બાદ છઠ્ઠી ડિસેમ્બરના રોજ અંતિમ ઉમેદવારોના નામની જાહેરાત ચૂંટણી પંચ તરફથી કરવામાં આવશે. રાજ્યના વર્તમાન મંત્રી કુંવરજીભાઈએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ આ બેઠક ખાલી પડી હતી. જસદણ બેઠક પરંપરાગત રીતે કોંગ્રેસનો ગઢ રહી છે. ૧૯૭૧થી ૨૦૧૭ સુધી જસદણ વિધાનસભાની બેઠક પર કોંગ્રેસનું એકચક્રી સાશન રહ્યું છે. જસદણ વિધાનસભાની પેટાચૂંટણીની નજીકના ભવિષ્યમાં જ જાહેરાત થઇ શકે છે. કારણ કે ત્રીજી જાન્યુઆરી સુધીમાં પેટા ચૂંટણી પૂર્ણ કરવાની છે.
કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને જસદણની બેઠક પરથી જીતાડવા માટે મોહન કુંડારિયા, જયંતિ કવાડિયા, મંત્રી જયેશ રાદડિયા સહિતના સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતાઓને જીતાડવાની જવાબદારી સોંપવામાં આવી છે. આ માટે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ કોર કમિટીની બેઠક બાદ યાદી જાહેર કરવામાં આવી હતી.
કોર કમિટીની બેઠક પહેલા ખૂદ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ પ્રદેશ અધ્યક્ષ સહિતના નેતાઓ સાથે બેઠેક કરીને આ મહત્વનો નિર્ણય લીધો હતો. ભાજપ કોઈ પણ કાળે આ બેઠક ગુમાવવા માંગતી નથી. કારણ કે ભાજપ જો આ ગુમાવે તો તેની અવળી અસર આગામી ચૂંટણીમાં આખા સૌરાષ્ટ્ર પર પડી શકે છે.