દેશમાં સામાન્યરીતે આ બાબતની ચર્ચા રહે છે કે જે રીતે પાકિસ્તાનમાં ઘુસીને અમેરિકાએ લાદેનને ઠાર કરી દીધો હતો તેવી જ રીતે ભારતને પણ હાફીઝ સઇદની સામે કાર્યવાહી કરવી જોઇએ. જો કે, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણામંત્રી ચિદમ્બરમે કહ્યું છે કે, મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ હાફીઝ સઇદને ટાર્ગેટ બનાવવાની ક્ષમતા ભારતમાં ક્યારે પણ ન હતી.
ચિદમ્બરમનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે થોડાક કલાક પહેલા જ આર્મી ચીફ બિપિન રાવતે કહ્યું હતું કે, મુંબઈ હમલાના દોષિતોનો ખાત્મો કરવા માટે ભારતમાં પણ ઓસામા બિન લાદેન જેવા ઓપરેશનને પાર પાડવાની ક્ષમતા છે. આવી સ્થિતિમાં ચિદમ્બરમનું આ નિવેદન કોંગ્રેસ માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. દિગ્ગજ કોંગ્રેસી નેતાએ કહ્યું છે કે, મુંબઈ હુમલા દરમિયાન હાફીઝ સઇદ કરાંચીમાં સેફ હાઉસમાં હતો. હવે તે જાહેરમાં ફરે છે પરંતુ અમારી પાસે પાકિસ્તાનના એબટાબાદમાં લાદેનની સામે અમેરિકા દ્વારા હાથ ધરવામાં આવેલા ઓપરેશનની જેમ હાફીઝને ટાર્ગેટ કરવાની ક્ષમતા નથી. ચિદમ્બરમે કહ્યું હતું કે, અમારી પાસે તે વખતે આ ક્ષમતા ન હતી. ચિદમ્બરમે એમ પણ કહ્યું છે કે, આજે અમારી પાસે આ તાકાત રહે તો તેમને ખુશી થશે. જો અમે પ્રયાસ કર્યા હોત તો નિષ્ફળ રહ્યા હોત અને આનાથી એક મોટો ફટકો પડ્યો હતો. ચિદમ્બરે એમ પણ કહ્યું છે કે, ભારતના રાજદ્વારી માધ્યમથી પાકિસ્તાનને કઠોર સંદેશો આપવામાં આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે, જો બીજો હુમલો થશે તો જોરદાર કાર્યવાહી કરવામાં આવશે. એક ઇન્ટરવ્યુમાં જનરલ રાવતે કહ્યું હતું કે, એબટાબાદમાં અમેરિકી સ્ટાઇલમાં હુમલાની જેમ ઓપરેશન માટે એક વિકલ્પ હતો પરંતુ આને અંજામ સુધી લઇ જવા બીજા વિકલ્પો પણ છે.