પાકિસ્તાનના ખૂબજ હિંસાગ્રસ્ત એવા ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં એક ધાર્મિક કાર્યક્રમ નજીક ભરચક માર્કેટમાં શક્તિશાળી બોમ્બ બ્લાસ્ટ થતા ઓછામાં ઓછા ૩૦ લોકોના મોત થયા હતા અને ૪૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઘાયલ થયેલા લોકો પૈકી અનેકની હાલત હજુ પણ ગંભીર જણાવવામાં આવી છે.
ધાર્મિક કાર્યક્રમની બહાર ભરચક માર્કેટમાં બ્લાસ્ટ બાદ ભારે અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી. ઓરાકઝાઈ આદિવાસી જિલ્લાના કલાયા વિસ્તારમાં શિયા ધાર્મિક સ્થળ ઈમામ બર્ગ નજીક શુક્રવારના માર્કેટ એટલે કે જુના બજારમાં એક બાઈકમાં વિસ્ફોટક સામગ્રી પ્લાન્ટ કરવામાં આવી હતી. પ્રચંડ બ્લાસ્ટ થતા ૩૦થી વધુ લોકોના ફૂરચે ફૂરચા ઉડી ગયા હતા. બ્લાસ્ટ થયો ત્યારે લોકો ઉત્સુકતાપૂર્વક ગરમ વસ્ત્રોની ખરીદી કરી રહ્યા હતા. ઘાયલ થયેલા ૪૦ લોકો પૈકી મોટાભાગના લોકોને તરત જ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પાકિસ્તાનની સમાચાર સંસ્થાઓના કહેવા મુજબ મોટાભાગના ભોગ બનેલા લોકો શિયા મુસ્લિમ સમુદાયના લોકો હોવાની માહિતી મળી છે. ભૂતકાળમાં પણ લઘુમતી શિયા મુસ્લિમ સમુદાયના લોકોને આ વિસ્તારમાં ટાર્ગેટ બનાવવામાં આવ્યા છે. માર્યા ગયેલાઓમાં ત્રણ બાળકોનો પણ સમાવેશ થાય છે. રિમોટ કંટ્રોલ બોમ્બનો ઉપયોગ આમાં કરવામાં આવ્યો હતો. આ બોમ્બને મોટરસાયકલ સાથે પ્લાન્ટ કરવામાં આવ્યો હતો. બ્લાસ્ટ બાદ મોટી સંખ્યામાં સુરક્ષા જવાનો તરત જ તૈનાત કરવામાં આવ્યા હતા અને તપાસ હાથ ધરવામાં આવી હતી. ઈમરજન્સીની જાહેરાત પરિસ્થિતિને હાથ ધરવા માટે પ્રદેશની હોસ્પિટલોમાં કરવામાં આવી હતી.
માનવ અધિકાર મંત્રી સિરીન દ્વારા આ હુમલા માટે અફઘાનિસ્તાનમાં અમેરિકાની નિષ્ફળતાને જવાબદારી ઠેરવી હતી અને આ પ્રકારના બનાવો માટે તૈયાર રહેવા પાકિસ્તાનને ચેતવણી પણ આપી હતી. ઓરાકઝાઈ આદિવાસી વિસ્તારમાં થયેલા આ હુમલાને વખોડી કાઢીને તેમણે કહ્યું હતું કે અફઘાનિસ્તાનમાં અમેરિકા નિષ્ફળ ગયા બાદ પાકિસ્તાનને તેના પરિણામ માટે તૈયાર રહેવું જોઈએ. અમારા આદિવાસી લોકોની સુરક્ષા માટે વધુ સાવચેતી જરૂરી બની છે.
આ હુમલા માટેની જવાબદારી કોઈપણ આતંકવાદી સંગઠને સ્વીકારી નથી પરંતુ તાલિબાની ત્રાસવાદીઓ દ્વારા મોટાભાગે આ પ્રકારના હુમલાઓ કરાય છે. બ્લાસ્ટ કરાયા બાદ ખૈબર પખ્તૂનખ્વા પોલીસ ને હાઈએલર્ટ પર મુકી દેવામાં આવી છે. દુશ્મનો દ્વારા શાંતિ ભંગ કરવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાના આક્ષેપ પ્રાંતના મુખ્યમંત્રી મહેમુદખાને કર્યો છે. આજે એક દિવસમાં બે આતંકવાદી હુમલા કરવામાં આવ્યા હતા.