પીપાવાવ, ભારત-એપીએમ ટર્મિનલ પીપાવાવે સ્થાનિક યુવાનો પાસેથી પ્રાપ્ત ૧૪૦ અરજીઓમાંથી ૬ર યુવાનોને એપ્રેન્ટિસ તરીકે પસંદ કર્યા છે. એમને તાલીમ આપવાનો ઉદ્દેશ લાયકાત ધરાવતા બેરોજગાર યુવાનોની ટેકનિકલ અને સોફ્ટ કુશળતાઓ વધારીને ભવિષ્યમાં તેમની રોજગારદક્ષતા વધારવાનો છે. ઉપરાંત તેમને એચએસએસઈમાં તાલીમ આપવામાં આવશે અને નૈતિક મુલ્યો સમજાવવામાં આવશે જેથી તેઓ ઉદ્યોગમાં જોડાવા માટે સજ્જ થઈ શકશે.
સ્થાનિક યુવાનોના કૌશલ્ય વિકાસમાં એપીએમ ટર્મિનલ્સ પીપાવાવ દ્વારા હાથ ધરવામાં આવેલા પ્રયાસોની પ્રસંશા કરતા ગુજરાત રાજ્ય સરકારના કૃષિ મંત્રી આર.સી. ફળદુએ મુખ્યમંત્રી એપ્રેન્ટિસશીપ યોજના સન્માન કાર્યક્રમ અંતર્ગત એપીએમ ટર્મિનલ્સ પીપાવાવને એપ્રિસિએશન સર્ટીફીકેટ એનાયત કર્યુ હતું. આ પ્રસંગે એપીએમ ટર્મિનલ્સ પીપાવાવના મેનેજીંગ ડાયરેક્ટર કેલ્ડ પેડરસેને કહ્યું હતું કે, સ્થાનિક યુવાનોને કુશળતા પ્રદાન કરવી અને સ્થાનિક ઉદ્યોગ માટે તેમને તૈયાર કરવા એ ઉદ્યોગ અને સમુદાય બન્ને લાભદાયક સ્થિતિ છે. અમને અમારી આસપાસના સમુદાયના વિકાસ માટે સ્થાયી વૃધ્ધિ કરવા આ પ્રોજેક્ટમાં સામેલ થવાની ખુશી છે.