ભાવનગર શહેરને રવેચી કમળ લેઇક નામનું રમણીય સ્થળ રૂપે નવું નજરાણુ મળવા જઇ રહ્યું છે. રૂવા ગામ પાસે રવેચી માતાના મંદિર પાસે આવેલા પ્રાચીન તળાવને ઉંડા ઉતારાયા બાદ તેને રમણીય સ્થળ તરીકે વિકાસવવામાં આવી રહ્યું છે. પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને પ્રવાસન વિભાગ દ્વારા રૂ. ચાર કરોડના અનુદાનથી આ સ્થળે વિવિધ પ્રકારની સવલતો ઉભી કરવાના કામનો આજે રાજ્ય મંત્રી વિભાવરીબેન દવેના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો છે. આ વિકાસકામનું અમલીકરણ ભાવનગર મહાનગરપાલિકા કરવાની છે.
રાજ્ય મંત્રી વિભાવરીબેન દવેએ અંગત રસ દાખવીને વર્ષ ૨૦૧૦માં શહેરના ગંગાજળિયા તળાવની સાથે રૂવા ગામનું તળાવ પહોંળુ અને ઉંડુ ઉતારવાની કામગીરી કરાવી હતી. રૂવા ગામનું આ તળાવ પ્રાચીન છે અને ત્યાં પાણીમાં કમળના ફૂલો મોટા પ્રમાણમાં ખીલે છે. વળી, રવેચી માતાના મંદિરે આવતા ભાવિકો માટે આ તળાવ ભક્તિભાવ સાથે પ્રકૃત્તિ સાથે તાદાત્મ્ય સાધવાનું સ્થળ પણ બની રહે છે. રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ દ્વારા પવિત્ર યાત્રાધામ બોર્ડ મારફત આ તળાવને વિકસિક કરવા માટે રૂ. ચાર કરોડની માતબર રકમ ફાળવવામાં આવી છે.
રૂવાનું રવેચી કમળ લેઈક પિકનિક ડેસ્ટોનેશન બનશે
મુખ્ય પ્રવેશ દ્વારા આકર્ષક અને કલાત્મક બનાવવામાં આવશે. અહીં વિવિધતાસભર લેન્ડ સ્કેપિંગ બનાવવામાં આવશે. જે મુલાકાતીઓને આકર્ષશે. કમળ આકારનો ચબૂતરો બનાવવામાં આવશે. જે પક્ષીઓના કિલકિલાટનું સ્થાનક બની રહેશે. તળાવની ફરતે મોર્નિક વોક માટેનો ટ્રેક બનાવવામાં આવશે. આસપાસના વિસ્તારોમાં રહેતા લોકો અહીં મોર્નિક વોક કરી શકશે. નયનરમ્ય પડેસ્ટ્રલ બ્રિજ અને ફૂવારો બનાવવામાં આવશે. ઘાટ, છત્રી, લાઇટિંગ સહિતના કામો કરવામાં આવનારા છે. આ ઉપરાંત મુલાકાતીઓ માટેની ભૌતિક સુવિધાઓનું નિર્માણ કરવામાં આવશે. ૧૮ માસમાં આ કામગીરી પૂર્ણ કરવાનું આયોજન છે. એ બાદ રવેચી કમળ લેઇલ પિકનિક ડેસ્ટિનેશન બની જશે. રાજ્ય મંત્રી દ્વારા આ કામગીરીનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તેમણે આ રવેચી કમળ લેઇક ભક્તિ સાથે પ્રકૃ્તિના સંગમનું સ્થળ બની રહેશે., તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
આ ખાતમુહૂર્તના કાર્યક્રમમાં ભાવનગર મહાનગર પાલીકાના મેયર મનહરભાઇ મોરી , સાસંદ ડો.ભારતીબેન શિયાળ, શહેર ભાજપ પ્રમુખ સનતભાઇ મોદી, કમિશ્રી એમ.એન.ગાંધી, ડે.મેયર અશોકભાઇ બારૈયા, સ્ટેંડીગ કમીટીના ચેરમેન યુવરાજસિંહ ગોહિલ , નેતા પરેશભાઇ પંડ્યા , સહિત મોટી સંખ્યામાં કર્મચારીઓ , અધિકારીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતાં.