વાઇબ્રન્ટ સમિટ એક વૈશ્વિક મંચ બની ગઈ છે : મુખ્યમંત્રી

899

ગુજરાત હાઈકોર્ટે પાર્કિંગ ચાર્જ વસૂલવા મામલે મોલ અને મલ્ટીપ્લેક્સની ઝાટકણી કાઢતા આજે જણાવ્યું હતું કે, પાર્કિંગ ચાર્જ વસૂલવાની સંચાલકોને કોઈ સત્તા નથી. મોલ બંધ કરાવવા અંગે કોર્ટે હુકમ કરવો પડે તે પહેલા મોલ માલિકો સમજી જાય તેવી સાફ ચીમકી પણ હાઇકોર્ટે ઉચ્ચારતાં મોલ માલિકોમાં ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી. હાઇકોર્ટે કેસની વધુ સુનાવણી આવતીકાલ પર મુકરર કરી છે. ગત ઓક્ટોબર માસમાં મોલ અને મલ્ટિપ્લેક્સમાં પાર્કિંગ ચાર્જ લેવા બાબતે સુનાવણી કરતા ગુજરાત હાઇકોર્ટે મોલ અને મલ્ટિપ્લેક્સને પાર્કિંગ ચાર્જ વસૂલ કરવાની પરવાનગી આપી કામચલાઉ રાહત આપી હતી. જો કે, હાઇકોર્ટે તેના ચુકાદામાં એવું પણ કહ્યું હતું કે પ્રથમ કલાક માટે પાર્કિંગને ફ્રી રાખવું પડશે. ત્યારબાદ જ ચાર્જ વસૂલ કરી શકાશે. એક કલાક બાદ ટુ-વ્હીલર માટે રૂ. ૨૦ અને ફોર વ્હીલર માટે રૂ. ૩૦ પાર્કિંગ ચાર્જ ચુકવવો પડશે. પ્રથમ કલાક માટે પાર્કિંગને ફ્રી રાખવાના હુકમ સામે કેટલાક મોલ અને મલ્ટિપ્લેક્સ થિયેટર માલિકો દ્વારા ખંડપીઠ સમક્ષ અપીલ કરી સીંગલ જજના અગાઉના હુકમને પડકારાયો હતો. જેમાં મોલ માલિકો તરફથી એવી રજૂઆત કરાઇ હતી કે, પ્રથમ કલાક ફ્રી પાર્કિંગની સુવિધા આપવાના હાઈકોર્ટના આદેશ પહેલા તેમને સાંભળવાની તક આપ્યા વિના જ અગાઉનો હુકમ કરાયો છે. હાઇકોર્ટે હુકમ કર્યો તે કેસમાં અરજદાર મોલ માલિકો કે મલ્ટિપ્લેક્સ થિયેટરો પક્ષકારો પણ ન હતા અને તે કેસમાં તેઓને રજૂઆત કે સુનાવણીની કોઇ તક પણ મળી નથી. આ સંજોગોમાં તેમને સાંભળ્યા વિના કરાયેલો હુકમ તેઓને લાગુ પાડી શકાય નહી. આ કુદરતી ન્યાયના સિધ્ધાંત વિરૂધ્ધનો અને અયોગ્ય નિર્ણય કહેવાશે. આ સંજોગોમાં સીંગલ જજના હુકમને રદ કરી અરજદારોને યોગ્ય રાહત આપવામાં આવે. જો કે, હાઇકોર્ટે મોલ માલિકો અને મલ્ટિપ્લેક્સ થિયેટરના માલિકોને સાફ શબ્દોમાં સુણાવી દીધુ હતું કે, મોલ કે મોલ મલ્ટિપ્લેક્સ થિયેટરના સંચાલકો કે માલિકોને નાગરિકો પાસેથી પાર્કિંગ ચાર્જ વસૂલવાની કોઇ સત્તા જ નથી.

આ સંજોગોમાં મોલ બંધ કરાવવા માટે હાઇકોર્ટને હુકમ કરવો પડે તે પહેલાં જ મોલ માલિકો સમજી જાય તો વધુ સારૂ ગણાશે એવી સ્પષ્ટ ચીમકી હાઇકોર્ટે ઉચ્ચારી હતી. હાઇકોર્ટનો મિજાજ પારખી મોલ માલિકો અને મલ્ટિપ્લેક્સ થિયેટરના સંચાલકોમાં ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી તો, બીજીબાજુ, નાગરિકોમાં ફરી એકવાર બહુ મોટી રાહતની લાગણી જોવા મળી હતી.

Previous articleપક્ષમાં નિષ્ઠાથી કામ કરો નહી તો જગ્યાને ખાલી કરો : સાતવ
Next articleઅયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ કરાય