ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહે આજે કહ્યું હતું કે, અયોધ્યામાં એજ જગ્યાએ ભવ્ય મંદિરનું નિર્માણ થવું જોઇએ. મધ્યપ્રદેશના ઇન્દોરમાં એક રોડ શો દરમિયાન અમિત શાહે આ મુજબની વાત કરી હતી.
રામ મંદિરના નિર્માણને લઇને તમામ હિન્દુવાદી સંગઠનોએ રવિવારના દિવસે અયોધ્યામાં ધર્મસભા યોજીને સરકાર ઉપર દબાણ વધારવાના પ્રયાસ કર્યા હતા. સોમવારના દિવસે મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે અમિત શાહે આક્રમક પ્રહારો કર્યા હતા. પ્રચારના છેલ્લા દિવસે રોડ શો કરી રહેલા અમિત શાહે કહ્યું હતું કે, તેમની પાર્ટી માને છે કે, અયોધ્યામાં એજ જગ્યાએ ભવ્ય રામ મંદિરનું નિર્માણ થવું જોઇએ.
રવિવારના દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, વિશ્વ હિન્દુ પરિષદ, શિવસેના અને અન્ય અનેક સંગઠનોએ અયોધ્યામાં ધર્મસભા આયોજિત કરી હતી. આ સભામાં ઉપસ્થિત તમામ સંતો અને હિન્દુ સંગઠનોએ સરકાર ઉપર દબાણ લાવવાના પ્રયાસ કર્યા હતા. મંદિરના મામલામાં સરકાર આગામી શિયાળુ સત્રમાં વટહુકમ લાવે તે ખુબ જરૂરી છે. મધ્યપ્રદેશની ૨૩૦ વિધાનસભા સીટો માટે ૨૮મી નવેમ્બરના દિવસે મતદાન થશે જ્યારે મતગણતરી ૧૧મી ડિસેમ્બરના દિવસે હાથ ધરવામાં આવશે. મધ્યપ્રદેશમાં ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે આજે અનેક પક્ષોએ તમામ તાકાત લગાવી દીધી હતી.