સાબરકાંઠા જિલ્લામાં નિમાયેલા બે ચૂંટણી ખર્ચ નિરીક્ષક સર્વ મુદ્દીતકુમાર અને આકાશ શંકર ચૌગલેના અધ્યક્ષસ્થાને સાબરકાંઠા જિલ્લાની ચાર વિધાનસભા બેઠકો અંગે સમીક્ષા બેઠક યોજાઇ હતી.
સાબરકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પી.સ્વરૂપે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિધાનસભાની ચાર બેઠકો માટે અમલમાં મૂકેલા મેનેજમેન્ટ પ્લાનની પ્રેઝન્ટેશન દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી. સાબરકાંઠા જિલ્લામાં ભયમુક્ત, શાંતીપૂર્ણ અને પારદર્શક ચૂંટણી પ્રક્રિયા માટે પોલીંગ સ્ટેશન, તાલીમ, જિલ્લાના ગામો, મહેસૂલી ગામો, બીએલઓ, સેકટર ઓફિસર તથા અગાઉની ચૂંટણીઓમાં થયેલ મતદાનની ટકાવારી, એસએસટી, વીવીટી, વીએસટી, એકાઉન્ટીંગ ટીમ, એમસીસી, ફલાઇંગ સ્કવોર્ડ, મટીરીયલ મેનેજમેન્ટ, ઇવીએમ મેનેજમેન્ટ તથા સ્વીપ સહિતની વિસ્તૃત વિગતો અને ચૂંટણીઓની તૈયારીઓથી ચૂંટણી ખર્ચ નિરીક્ષકોને વાકેફ કર્યા હતા.
હિંમતનગર અને પ્રાંતિજ વિધાનસભા બેઠકના ચૂંટણી ખર્ચ નિરીક્ષક મુદ્દીત કુમાર તથા ઇડર અને ખેડબ્રહ્મા વિધાનસભા બેઠકના ચૂંટણી ખર્ચ નિરીક્ષક આકાશ શંકર ચૌગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચૂંટણી મેનેજમેન્ટ પ્લાન નિહાળી સંતોષની લાગણી વ્યક્ત કરી હતી. તમામ અધિકારીઓને સૌ સાથે મળી લોકશાહીના પર્વને ઉજાગર કરી વધુ મતદાન થાય તે માટે અને કોઇપણ મુશ્કેલી હોય તો સીધો સંપર્ક કરવા જણાવ્યું હતું.
સાબરકાંઠા જિલ્લામાં નિમાયેલ બે ચૂંટણી નિરીક્ષકઓ જિલ્લા સેવા સદન સાબરકાંઠા ખાતે આવી પહોંચતા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર સ્વરૂપ.પી તથા ચૂંટણી ખર્ચ મોનીટરીંગ સેલના ચીફ નોડલ ઓફિસર અને જિલ્લા વિકાસ અધિકારી હર્ષ વ્યાસે સ્વાગત કરી આવકાર્યા હતા.
આ બેઠકમાં અધિક નિવાસી કલેકટર વી.એલ.પટેલ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી મુકેશ પરમાર, ચૂંટણી ખર્ચ સાથે સંકળાયેલ અધિકારીઓ અને નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.