ભજન ઉપર બોલી ન શકાય, ભજન એટલે પ્રેમ : મોરારિબાપુ

1282

ચિત્રકુટ ધામ-તલગાજરડા ખાતે ભજન વિચાર સંગોષ્ઠિ અને સંતવાણી સન્માન પ્રસંગે મોરારિબાપુએ કહ્યું કે, ભજન ઉપર બોલી ન શકાય. ભજન એટલે પ્રેમ, અહીં રાત્રે સંતવાણી કાર્યક્રમ યોજાયો હતો.

ગુજરાતના પ્રાચીન ભજન સાહિત્ય-સંતવાણીના ગાયકો અને વાદકો કે જેમણે આ પવિત્ર સંસ્કાર સરવાણીને વહેતી રાખવામાં પોતાની આજીવન ઉપાસના દ્વારા સેવા આપી છે તેવા વિદ્યમાન કલાકારોને સંતવાણી સન્માન કાર્યક્રમમાં રવિવારે મોરારિબાપુના હસ્તે સંતવાણી પદકથી વંદના થઈ. જેમાં સંતવાણી આદિ સર્જક તરીકે પ્રિતમદાસના પ્રતિનિધિ હિતુલકુમાર પટેલ, ભજનિક લક્ષ્મણભાઈ બારોટ, તબલા વાદક નરેન્દ્ર મહેતા, બેન્જો વાદક ખંડેરાવ જાદવ અને મંજીરા માટે દલપતરામ દેશાણીનો સમાવેશ થાય છે.

સંતવાણી સન્માન પ્રસંગે મોરારિબાપુએ કહ્યું કે, ભજન ઉપર બોલી ન શકાય. ભજન એટલે પ્રેમ, ભજન એ આકાશરૂપી પરમતત્વ છે અને ત્રણેય લોકમાં વ્યાપ્ત છે. તેઓએ ભજન રચનાઓ ઉપર સંશોધનો અને ચર્ચાઓ કરવા આગ્રહ વ્યક્ત કર્યો.

ભજન વિચાર સંગોષ્ઠિમાં હર્ષદ ત્રિવેદીના પ્રભાવી સંયોજક સાથે ભજન સ્વરૂપ વિચાર-બંસરી, મોરલી… રૂપનાત્મક ભજનો વિશે સુરેશ જોશી, સંતવાણીના સર્જક-સંતકવિ પ્રિતમદાસ વિશે પ્રશાંત પટેલ અને ગુજરાતી સંત સાહિત્યની પૃષ્ઠ ભુમિકા ઈ.સ. ૧૯૦૧થી ર૦૦૦ વિશે રમેશ મહેતા દ્વારા અભ્યાસપૂર્ણ ઉદ્દબોધનો થયા હતા. પ્રારંભિક સંચાલન સંકલનમાં હરિચંદ્ર જોશી રહ્યાં હતા. અહીં રાત્રે સુપ્રસિધ્ધ ભજનિકો દ્વારા સંતવાણી રજૂ થયેલ. કાર્યક્રમમાં ભદ્દાયુભાઈ વચ્છરાજાણી, નિરંજનભાઈ રાજ્યગુરૂ, દલપતભાઈ પઢીયાર, ભીખુદાન ગઢવી સહિત મોટીસંખ્યામાં વિદ્વાનો, રસિકો જોડાયા હતા.

Previous articleરાજુલામાં છુટા કરી દેવાતા બે સફાઈ કામદારોની આત્મવિલોપનની ચિમકી
Next articleપુત્રીના લગ્ન પ્રસંગે મંદબુધ્ધિના આશ્રમે ભોજન સમારોહ યોજી નવો રાહ ચિંધ્યો