વડાપ્રધાન નરેન્દ્ર મદીએ આજે તેલંગાણાના મહેબુબનગરમાં કોંગ્રેસ અને રાજ્યની ટીઆરએસ સરકાર ઉપર એક સાથે આકરા પ્રહાર કર્યા હતા. મોદીએ કહ્યું હતું કે, કોંગ્રેસે આંધ્રપ્રદેશનું વિભાજન કર્યું હતું જેના પરિણામ બંને રાજ્યોના લોકો આજે પણ ભોગવી રહ્યા છે. મોદીએ કહ્યું હતું કે, ટીઆરએસ કોંગ્રેસની ફોટો કોપી છે. કોંગ્રેસ અને ટીઆરએસમાં કોઇપણ અંતર નથી. બંને પાર્ટીઓની નીતિઓ એક સમાન રહી છે. મોદીએ જનસભાને સંબોધતા કહ્યું હતું કે, ટીઆરએસ કોંગ્રેસની જ ફોટો કોપી છે. બંને પાર્ટીઓ પરિવારવાદ, જાતિવાદ અને વોટબેંકની રાજનીતિમાં ડુબેલી છે.
તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીએ વર્ષો પહેલા આંધ્રપ્રદેશનું વિભાજન કર્યું હતું જેની કિંમત બંને રાજ્યોના લોકો આજે પણ ભોગવી રહ્યા છે.જ્યારે અટલ બિહારી વાજપેયીએ મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને બિહારનું વિભાજન કર્યું હતું. છ રાજ્યો બનાવવામાં આવ્યા હતા.
આ તમામ છ રાજ્યો ઝડપથી વિકાસ કરી રહ્યા છે. તેમની વચ્ચે કોઇપણ લડાઈ નથી. રાજ્ય સરકાર અને મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવ પર પ્રહાર કરતા મોદીએ કહ્યું હતું કે, ટીઆરએસ સરકારે તેલંગાણાને બરબાદ કરી દીધું છે. કારણ બિલકુલ સામાન્ય છે. ટીઆરએસ સરકાર પણ એજ પગલા ઉપર આગળ વધી હતી જે વિભાજનથી પહેલા સરકારમાં હતી. મોદીએ કહ્યું હતું કે, કેન્દ્રમાં કોંગ્રેસના ૭૦ વર્ષ અને ટીઆરએસના પાંચ વર્ષ રાજ્યમાં એવી સ્થિતિ માટે જવાબદાર છે જે સ્થિતિ આજે સર્જાઈ છે. તેલંગાણાના મુખ્યમંત્રીએ ગરીબોને ઘર આપવાનું વચન આપ્યું હતું પરંતુ એ વચનમાં કોઇ દમ દેખાતું નથી. ઘર કઇ જગ્યાએ દેખાતા નથી. ચંદ્રશેખર રાવે કહ્યું હતું કે, તેઓ નિઝામાબાદને લંડન બનાવી દેશે પરંતુ અહીંની સ્થિતિ જોતા આવું લાગતું નથી. આ ક્ષેત્રમાં વિકાસ થયો નથી. રાવ પાંચ વર્ષ લંડનમાં રહીને આવે તો જ તેમને લંડન શહેરની ખુબસુરતી અંગે માહિતી મળશે.