ગુજરાતમાં પાંચ નવા સફારી પાર્ક ઉભા કરાશે, સુત્રા-ગ્રીવા ગરજશે ગાંધીનગરમાં

1319

વન અને આદિજાતિ મંત્રી ગણપત વસાવાએ ઇન્દ્રોડા પાર્ક ગાંધીનગર ખાતે સિંહ ઘર અને સોવેનિયર શોપનું લોકાર્પણ કર્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું કે ગુજરાતમાં પાંચ નવા સફારી પાર્ક ઉભા કરવામાં આવશે, કેન્દ્ર સરકાર તરફથી તમામ અંગેની મંજૂરી મળી ગઇ છે. ઈન્દ્રોડા પાર્ક ખાતે વાઘ, રીંછ અને દીપડા આગામી સમયમાં લાવવામાં આવશે.

વન અને આદિજાતિ મંત્રી ગણપત વસાવાએ જણાવ્યું છે કે, ગુજરાતના ઘરેણા સમાન એશિયાટિક સિંહોના જતન અને સંવર્ધન માટે રાજ્ય સરકાર સંપૂર્ણ કટિબદ્ધ છે. આવનારા સમયમાં વન્યપ્રાણી જાતો તથા પ્રાકૃતિક સંપદા થકી ગુજરાતને વધુ સમૃદ્ધ બનાવાશે. આજે ગીર ફાઉન્ડેશનના ઈન્દ્રોડા પાર્ક ગાંધીનગર ખાતે ‘સિંહઘર’ તથા ‘સોવેનિયર’ શોપનું લોકાર્પણ કરતાં મંત્રી વસાવાએ ઉમેર્યુ કે, ગાંધીનગર તથા અમદાવાદ સહિત આસપાસના વિસ્તારના નાગરિકો માટે આજે શુભ ઘડી છે.

ગીરના સિંહો જોવા માટે છેક સાસણ નહીં જવું પડે ઈન્દ્રોડા પાર્ક ખાતે એશિયાઇ સિંહ-સુત્રા તથા સિંહણ-ગ્રીવાની આ જોડી નાગરિકોને જોવા મળશે. મંત્રી વસાવાએ ઉમેર્યું કે, છેલ્લા ઘણા વર્ષોથી આ પાર્ક અસ્તિત્વમાં છે અને ગાંધીનગર તથા આસપાસના લોકો અહીં આવે છે. ત્યારે તે સૌને પણ સિંહના દર્શન થાય તે માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીના માર્ગદર્શન હેઠળ આ આયોજન કરાયું છે.

આવનારા દિવસોમાં આ પ્રકૃતિ ઉદ્યાનમાં વાઘ, રીંછ, દીપડા અને વધુ સિંહો પણ લાવવાનું રાજ્ય સરકારનું આયોજન છે. જેનો પ્રકૃતિપ્રેમીઓ વધુને વધુ લાભ લઈ શકશે. સિંહોના જતન માટે રાજ્ય સરકારે રૂ.૩૫૦ કરોડનો પ્રોજેક્ટ અમલી બનાવ્યો છે. જે અંતર્ગત રાજ્યમાં નવા પાંચ સફારી પાર્કનું નિર્માણ કરાશે. જે માટે કેન્દ્ર સરકાર દ્વારા તમામ પ્રકારની મંજૂરીઓ મળી ગઈ છે.  વન વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તાએ સ્વાગત પ્રવચનમાં કહ્યું કે, ઈન્દ્રોડા પાર્ક ખાતે પ્રથમ વખત સિંહનું પદાર્પણ થઈ રહ્યું છે. ૨૫ વર્ષ જૂનો આ પાર્ક છે જેમાં અગાઉ દીપડા હતા પણ સિંહ નહોતા ત્યારે, પ્રકૃતિ પ્રેમીઓની લાગણીને ધ્યાને લઈને મુખ્યમંત્રી અને વન મંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ સિંહના દર્શન માટે પ્રવાસીઓ માટે આ સુવિધાઓ ઉપલબ્ધ બનાવાય છે.

Previous articleધો.૧-૨ના છાત્રો માટે ગૃહકાર્ય નહિ, વિદ્યાર્થીના વજનના ૧૦ ટકાનું થશે દફતર : મંત્રી ભુપેન્દ્રસિંહ
Next articleરાજ્યમાં શિયાળે વાદળો દેખાયા