મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આજે પંચમહાલ જિલ્લામાં મધ્યપ્રદેશની સરહદે આવેલા જાંબુઘોડાથી રાજયવ્યાપી શાળા આરોગ્ય -રાષ્ટ્રિય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. આ ઉપરાંત પંચમહાલ જિલ્લામાં જનસુવિધા અને જનસુખાકારીના રૂા.૪૭૨ લાખના ૬ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું. તો બીજી તરફ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે મહેસાણા શહેરની પ્રાથમિક શાળા નંબર ૦૭ થી રાજ્ય વ્યાપી શાળા આરોગ્ય તપાસણીનો પ્રારંભ કરાવ્યો હતો.
શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ દરમિયાન હ્રદયરોગ, કેન્સર, કિડની, બોર્નમેરો ટ્રાન્સપ્લાન્ટ, કોકલીયર ઇમ્પ્લાન્ટ જેવા ગંભીર રોગોથી પીડાતા બાળકોને સરકાર દ્વારા સુપરસ્પેશ્યાલીસ્ટ સારવાર આપવામાં આવી રહી છે. મુખ્યપ્રધાને કહ્યું કે આ કાર્યક્રમ હેઠળ ગત વર્ષે ૧.૫૫ કરોડ બાળકોના આરોગ્યની તપાસ કરીને ૯૯ ટકા સિધ્ધિ હાંસલ કરવામાં આવી છે. જેમાં ૧૯.૯૧ લાખ બાળકોને સ્થળ પર સારવાર આપવામાં આવી હતી તથા ૧.૮૪ લાખ બાળકોને સંદર્ભ સેવાનો લાભ અપાયો છે. ૯૯૨૧૦ બાળકોને વિનામૂલ્યે ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું છે.
વધુમાં જણાવ્યું કે ૨૨૯૩૨ બાળકોને હ્રદયરોગ, ૩૫૦૮ બાળકોને કિડનીરોગ, ૧૮૪૩ બાળકોને કેન્સર રોગ, ૬૨૬ કલેફટ લીપ પેલેટ, ૫૩૦ કલબફૂટની સારવાર અપાઇ હતી. જયારે ૨૫ બાળકોને કિડની પ્રત્યારોપણ, ૫૦૧ કોકલીયર ઇમ્પ્લાન્ટ તથા ૨૮ બાળકોના બોર્નમેરો ટ્રાન્સપ્લાન્ટની સંપૂર્ણ સારવાર વિનામૂલ્યે રાજય સરકાર દ્વારા પૂરી પાડવામાં આવી છે.વિજય રૂપાણીએ શાળાએ જતા બાળકોને ભાર વિનાનું ભણતરની સંકલ્પના સાકાર કરવા રાજ્યમાં જ્ઞાનકૂંજ પ્રોજેકટ અન્વયે વર્ચ્યુઅલ કલાસીસથી આવનારા દિવસોમાં બાળકને માત્ર એક લેપટોપમાં બધા જ પુસ્તકો-વિષયો સમાઇ જાય તેવી શિક્ષણ વ્યવસ્થા માટેની નેમ વ્યકત કરી છે. મુખ્યપ્રધાને જાંબુઘોડા કુમાર શાળા ખાતે તબીબની વેશભૂષામાં સજ્જ બાળ ર્ડાકટરો સાથે સંવાદ કરી બાળ આરોગ્ય ચકાસણી કાર્યક્રમનું નિરિક્ષણ કર્યું હતું. આ ઉપરાંત જિલ્લા પ્રશાસન દ્વારા રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત મા અને મા- વાત્સલ્ય કાર્ડ હેઠળ સારવાર અપાયેલ લાભાર્થીઓની સાફલ્યગાથા પુસ્તકનું વિમોચન કર્યું હતું. તેમજ મા યોજના સહિત આયુષમાન ભારત યોજના હેઠળ લાભાર્થીઓને કાર્ડનું વિતરણ કર્યું હતું.
નાયબ મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે રાજ્યની આવતીકાલ તંદુરસ્ત અને નિરામય રહે તે માટે શાળા આરોગ્ય કાર્યક્રમ દર વર્ષે યોજાઇ રહ્યો છે. શાળા આરોગ્યના આ સેવાયજ્ઞમાં રાજ્યમાં ૦૧,૫૯,૨૯,૪૦૦ અને મહેસાણા જિલ્લામાં ૦૫,૧૯,૭૧૧ બાળકોની તપાસણી થવાની છે.આ મહાઅભિયાનોમાં માત્ર શાળાએ જતાં બાળકો જ નહિ, નવજાત શિશુઓથી માંડીને ૧૮ વર્ષ સુધી તમામની તપાસ થવાની છે. નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે તપાસણી દરમિયાન સારવારની જરૂર પડે તો સ્થળ પર પ્રાથમિક સારવાર સહિત તબીબી અધિકારીની સલાહ મુજબ યોગ્ય સારવાર માટે રિફર કરવામાં આવે છે. જેનો સંપુર્ણ ખર્ચ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. રાજ્ય કક્ષાના શાળા આરોગ્ય કાર્યક્રમમાં ૫૭૫૨૩ આંગણવાડીના ૪૩,૭૧,૯૪૯ બાળકો,૪૧૯૯૮ પ્રાથમિક શાળાના ૮૪,૮૫,૭૮૮ બાળકો,૧૦૩૪૭ માધ્યમિક શાળાના ૨૬,૯૧,૯૫૦ બાળકો અને ૧૩૦૮ અન્ય સંસ્થાના ૨,૩૦,૦૦૦ બાળકોને સહિત શાળાએ નહિ જતા બાળકો મળીને કુલ ૧,૫૯,૨૯,૪૦૦ બાળકોની તપાસણી થવાની છે જેમાં ૪૦૦૦ ડોક્ટરો, ૪૦,૦૦૦ પેરામેડીકલ, મેડીકલ સહિત અન્ય સ્ટાફ સહિત ઇન્ડિયન મેડીકલ કાઉન્સીલ અને અન્ય સંસ્થાઓનો સહયોગ મળવાનો છે. મહેસાણા જિલ્લામાં શાળા આરોગ્ય કાર્યક્રમમાં ૨૦૮૪ આંગણવાડી,૧૨૨૯ પ્રાથમિક શાળા,૩૬૨ માધ્યમિક,૧૯ અન્ય શાળાઓ મળીને કુલ ૫,૧૯,૭૧૧ બાળકોની તપાસ થવાની છે.આ અભિયાનમાં ૩૧૪ ટીમો કાર્યરત બની છે. મહેસાણા જિલ્લામાં વર્ષ ૨૦૧૫ થી માંડીને ઓક્ટોબર ૨૦૧૮ સુધી માં ૧૮૪૫ હ્રદય રોગ,૪૮૫ કીડની,૫૫ કેન્સર, ૨૦૨ થેલેસેમીયા ૨૧ અતિગંભીર બિમારીવાળા બાળકોને જિલ્લા કક્ષાએથી સારવાર માટે મંજુરી આપવામાં આવી છે.