વિવિધ કાર્યક્રમોની રણનીતિ નક્કી કરવા માટે આજે રાજકોટના ધોરાજી ખાતે સૌરાષ્ટ્રના પાસ કન્વિનરોની એક બેઠક મળી હતી. આ બેઠકમાં હાર્દિક પટેલ પણ હાજર રહ્યો હતો. આ પ્રસંગે વિવિધ મુદ્દે ચર્ચા કરીને આગામી દિવસોમાં ખેડૂતોના પ્રશ્ને, અલ્પેશ કથીરિયાની જેલ મુક્તિ તેમજ પાટીદાર સમાજને અનામત મામલે વિવિધ કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં સંબોધન કરતા હાર્દિક પટેલે આગામી દિવસોમાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીના ઘરનો ઘેરાવ કરવાની જાહેરાત પણ કરી હતી.
બેઠક બાદ વિવિધ કાર્યક્રમોની જાહેરાત કરતા હાર્દિક પટેલે જાહેરાત કરી હતી કે આગામી પાંચમી ડિસેમ્બરના રોજ હાર્દિક પટેલ તેમજ પાટીદાર સમાજના યુવકો વિપક્ષના નેતા પરેશ ધાનાણીના ઘરનો ઘેરાવ કરશે. ઘેરાવ કરીને પાટીદાર સમાજને અનામત માટે ખાનગી બીલ લાવવાની માંગણી કરવામાં આવશે. એટલું જ નહીં ૬ઠ્ઠી ડિસેમ્બરના રોજ પાટીદાર સમાજના વિવિધ આગેવાનોના ઘરનો પણ ઘેરાવ કરવામાં આવશે. પાટીદાર આગેવાનોને અનામત મુદ્દે તેમનું શું માનવું છે તે જાણવાનો પ્રયાસ કરવામાં આવશે. હાર્દિક પટેલે જણાવ્યુ હતુ કે, રાજદ્રોહ મામલે જેલમાં બંધ અલ્પેશ કથીરિયાની મુક્તિ માટે પણ જાન્યુઆરીમાં આંદોલન ચલાવવામાં આવશે. પાટીદાર સમાજની બહુમતી હોય તેવા તાલુકાઓમાં પગપાળા યાત્રા કાઢવામાં આવશે.
સૌરાષ્ટ્ર પાસની બેઠક બાદ વિવિધ કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ૨૩મી ડિસેમ્બરના રોજ અમરેલીમાં ખેડૂત સંમેલન યોજાશે. પ્રથમ જાન્યુઆરીથી સૌરાષ્ટ્ર એકતા યાત્રા કાઢવામાં આવશે. અમરેલી જિલ્લામાં પગપાળા યાત્રા કરીને ત્રણ દિવસ ખેડૂતોની વેદન જાણવાનો પ્રયાસ કરવામાં આવશે. આ માટે ૨૦થી ૨૩મી ડિસેમ્બર એમ ત્રણ દિવસની રેલી કાઢવામાં આવશે. એટલું જ નહીં જાન્યુઆરી મહિનાથી સિદસર ઉમિયા માના દર્શન કરી સૌરાષ્ટ્રના તમામ તાલુકા અને ગામડા સ્તરે જઇને જન જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવશે.