ગુજરાતને ગારમેન્ટ હબ બનાવવાની દિશામાં આગળ વધતા મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ અરવિંદ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર સંજય લાલભાઈ સાથે એક પ્રેઝન્ટેશન બેઠકનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગુજરાતને ગારમેન્ટ હબ બનાવવાની દિશામાં રાજ્ય સરકારની આગામી ગારમેન્ટ પોલિસી સક્ષમ માધ્યમ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે આ નવી ગારમેન્ટ પોલિસી દ્વારા મોટા પાયે રોકાણો સાથે અંદાજે ન્યૂનતમ ૧ લાખ વ્યક્તિઓને રોજગારી આપવાનું લક્ષ્ય છે. આ લક્ષ્યાંકની પૂર્તિમાં અરવિંદ લિમિટેડ દ્વારા રૂ.૩૫૦ કરોડના ખર્ચે અમદાવાદ નજીક સ્થપાઇ રહેલી ૩ નવી સુવિધાઓ ઉપયુક્ત બનશે તેમ જણાવ્યું હતું. આ નવી સુવિધાઓને પરિણામે ૧૨ હજાર લોકોને રોજગાર અવસર મળશે તેમજ બહુધા મહિલાઓ-બહેનોને આ રોજગાર તક મળશે. રાજ્ય સરકાર એપેરલ એન્ડ ગારમેન્ટ પોલિસી અંતર્ગત સ્થપાયેલા એકમોમાં મહિલા કામદારોને માસિક રૂ.૪,૦૦૦ વેતન આપે છે તેનાથી પ્રેરિત થઈને હવે ગારમેન્ટ એપેરલ ઉદ્યોગો પણ મહિલાઓને વ્યાપક રોજગારી-તાલીમ અને ડોરમેટ્રી સપોર્ટ માટે આગળ આવ્યા છે. અરવિંદ મિલ્સ લિમિટેડ દ્વારા ખાસ કરીને વનબંધુ-આદિજાતિ બહેનો માટે આ સુવિધાઓમાં તાલીમ અને ડોરમેટ્રી સપોર્ટ આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકાર અને એપેરલ પ્રમોશન કાઉન્સિલ વચ્ચે દિલ્હી અને મુંબઈના તાજેતરના વાઇબ્રન્ટ રોડ શો- કર્ટેન રેઇઝર દરમિયાન ચાર જેટલા એમ.ઓ.યુ. એપેરલ ગારમેન્ટ ક્ષેત્રે રોકાણો પ્રેરિત કરવા માટે થયાં છે. અરવિંદ લિમિટેડ પણ તેની રૂ. ૩૫૦ કરોડની નવી સુવિધાઓ સાથે આ દિશામાં આગળ વધ્યું છે. આ નવી સુવિધાઓને પરિણામે ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીને અનુરૂપ આનુષાંગિક ઉદ્યોગોનો પણ વ્યાપક વિકાસ થવાથી સ્થાનિક સ્વરોજગારની તકો ખૂલશે.