પાટીદારોને અનામત આપવાની માગણી સાથે રાજપુત નેતાઓ ગાંધીનગર ખાતે આવેલા ઓબીસી પંચની ઓફિસે પહોંચ્યા છે. મહારાષ્ટ્ર વિધાનસભામાં મરાઠાઓને અનામત આપવા અંગેનું બિલ પસાર કરી દેવાયા બાદ રાજપૂતોએ પણ તેમના સમાજને અનામત આપવા માગણી કરી છે.
રાજપૂત સમાજના નેતાઓ ઓબીસી પંચના અધ્યક્ષ સુજ્ઞાબેન ભટ્ટને મળવા માટે ગાંધીનગર ખાતે આવેલી કચેરીએ પહોંચ્યા છે. મહારાષ્ટ્રમાં જેવી રીતે મરાઠાઓને અનામત આપવામાં આવી છે તેવી જ રીતે રાજપૂતોને પણ અનામત આપવામાં આવી તેવી રજૂઆત કરવા માટે આ નેતાઓ પહોંચ્યા છે.
રાજપુત નેતાઓએ જણાવ્યું કે, મહારાષ્ટ્રમાં મરાઠાને સામાજિક-આર્થિક રીતે અનામત આપવાની સરકારની યોજના છે. તેવી જ રીતે રાજ્યમાં રાજપૂત સમાજનો પણ સરવે કરવામાં આવે અને ત્યાર બાદ બંધારણિય રીતે વિધાનસભામાં બિલ પસાર કરીને રાજપૂત સમાજને અનામત આપવામાં આવે.
ઓબીસી પંચના અધ્યક્ષ સાથેની મુલાકાત અંગે તેમણે જણાવ્યું કે, અધ્યક્ષા સુજ્ઞાબેન ભટ્ટે ખુબ જ સારો પ્રતિભાવ આપ્યો હતો અને તેમણે જણાવ્યું કે, તેઓ તેમની માગણી ઉપર ઉચ્ચ સ્તરે ચર્ચા વિચારણા કરશે.