શિયાળાનો પ્રારંભ ફુલગુલાબી ઠંડીથી થઇ ચૂક્યો છે. શિયાળામાં વિવિધ વસાણાની સાથે સાથે શરીરને પુષ્ટ કરતા વિવિધ ફળોનો ઉપયોગ પણ વધી જતો હોઇ શિયાળાનો પ્રારંભ થતાં જ વિવિધ ફળોના ભાવમાં ખાસો ઉછાળો આવ્યો છે. લીલા નારિયેળની માંગ પણ વધી જવા પામી છે.
શરીરને પુષ્ટ કરવા માટે શિયાળાની ઋતુ શ્રેષ્ઠ છે. બાળકો, યુવાનો અને પ્રૌઢો પણ શિયાળાની ઋતુમાં શરીરની વિશેષ સંભાળ લેતાં હોય છે. તેમાં કસરત કરવી, વહેલી સવારે જોગીંગ વોકીંગ કરવું તથા શરીરને પુષ્ટ કરતા વિવિધ વસાણા અને ફળ આરોગવાની પ્રથા છે. શિયાળાની ઋતુમાં લીલા નારિયેળની માંગ અતિશય વધી જતી હોય છે. લીલા નારિયેળના વેપારીઓ સૌરાષ્ટ્રના દરિયાકિનારે જઇ મોટાપાયે નારિયેળ લાવી વેચાણ કરતા હોય છે. સ્થાનિક ખેડૂતો દ્વારા ઉત્પાદિત નારિયેળની પણ મોટાપાયે ખરીદી થતી હોય છે. સ્થાનિક ખેડૂતો દ્વારા ઉત્પાદિત દેશી નારિયેળ રૂપિયા ૧૦થી ૧૫માં જ્યારે દરિયાકિનારના વિસ્તારમાં ઉત્પાદિત નારિયેળ રૂપિયા ૨૫થી ૩૦માં વેચાય છે.
ફળોનો વપરાશ શિયાળામાં વધી જતો હોઇ ભાવ ઊંચકાયા છે. હાલમાં ફળ બજારમાં સૌથી ઓછી કિંમતે રૂપિયા ૨૫ના એક કિલોના ભાવે કેળાં વેચાઇ રહ્યા છે. જ્યારે સૌથી વધુ કિંમત લીચી રૂપિયા ૨૧૫ના ભાવે, સફરજન રૂપિયા ૧૨૦ના કિલો તથા રાસબરી રૂપિયા ૧૦૦ની કિલો બજારમાં વેચાણ રહી છે.