નીતિ આયોગના વાઇસ ચેરમેન રાજીવ કુમારે સુધારવામાં આવેલા જીડીપી ડેટાના સંદર્ભમાં પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમ દ્વારા ચર્ચા માટે ફેંકવામાં આવેલા પડકારને આજે સ્વીકારી લીધો હતો. જીડીપીના ડેટામાં યુપીએના શાસનની સરખામણીમાં એનડીએના ગાળા દરમિયાન આર્થિક વિકાસ દરની સ્થિતિ સારી દર્શાવવામાં આવી છે. રાજીવ કુમારે કહ્યું છે કે, તેઓ ચિદમ્બરમના પડકારને સ્વીકારે છે. આંકડા ઉપર ચર્ચા કરવા માટે તૈયારી દર્શાવી છે.
ટ્વીટ કરીને કુમારે કહ્યું છે કે, ચર્ચા માટે તેઓ પૂર્ણ સમય આપવા માટે તૈયાર છે. પ્રશ્નના જવાબોનો સામનો કરવા માટે પણ તૈયાર છે. કુમારે કહ્યું છે કે, નવા ડેટાના સંદર્ભમાં અન્ય કારણો આપવા માટે પણ ચિદમ્બરમને કહ્યું છે.
ડેટાના નવા સેટના સંદર્ભમાં કુમાર સાથે ચર્ચા કરવા ચિદમ્બરમ દ્વારા ઇચ્છા વ્યક્ત કરવામાં આવ્યા બાદ રાજીવ કુમારે આ અંગેનો જવાબ આપ્યો હતો. ચિદમ્બરમે ગઇકાલે ટિ્વટ કરીને કહ્યું હતું કે, જો નીતિ આયોગના વાઇસ ચેરમેન ચર્ચા માટે તૈયાર થશે તો તેમને ખુશી થશે. તેમના પ્રશ્નોના સંદર્ભમાં પત્રકારોને જવાબ આપવા રાજીવ કુમારને પડકાર ફેંકવામાં આવ્યો હતો. કુમારે ભારપૂર્વક કહ્યું હતું કે, નીતિ આયોગ દ્વારા ડેટાનો ઉપયોગ લોજિકલ પોલિસી ભલામણો તૈયાર કરવા માટે કરવામાં આવે છે. ડેટા હંમેશા જાણિતા અર્થશાસ્ત્રીઓ દ્વારા ગુણવત્તાની ચકાસણી અને મુલ્યાંકનના આધાર પર હોય છે. નીતિ આયોગ આના માટે ખુબ જ ગંભીરરીતે કામ કરે છે. નીતિ આયોગના વાઇસ ચેરમેન દ્વારા ચિદમ્બરમના પડકારને સ્વીકારી લેવામાં આવ્યા બાદ હજુ સુધી ચિદમ્બરમ તરફથી વળતી પ્રતિક્રિયા આપવામાં આવી નથી. બુધવારના દિવસે ૨૦૦૪થી ૨૦૧૨ સુધીના નવી સિરિઝના જીડીપી ડેટા જારી કરવામાં આવ્યા હતા. તે વખતે યુપીએનું શાસન હતું. નવી સિરિઝના જીડીપી આંકડામાં યુપીએના ૧૦ વર્ષના કાર્યકાળમાં મોટાભાગના વર્ષો દરમિયાન જીડીપીના વૃદ્ધિદરના આંકડા ઘટી ગયા હતા. સીએસઓ દ્વારા જારી કરવામાં આવેલા નવેસરના આંકડામાં જણાવવામાં આવ્યું છે કે, વર્ષ ૨૦૧૦-૧૧માં અર્થવ્યવસ્થામાં વૃદ્ધિદર ૮.૫ ટકા હતો જ્યારે તે પહેલા ૧૦.૩ ટકાનો અંદાજ મુકવામાં આવ્યો હતો. આવી જ રીતે ૨૦૦૯ની સ્થિતિની પણ વાત કરવામાં આવી હતી.