જમ્મુ કાશ્મીરના પુલવામાના અવંતીપુરામા સુરક્ષા દળને આજે વધુ એક મોટી સફળતા હાથ લાગી હતી. જવાનોએ હિઝબુલના બે ખુંખાર ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા.
ઠાર કરાયેલા ત્રાસવાદીઓ પાસેથી મોટી માત્રામાં હથિયાર જપ્ત કરવામાં આવ્યા હતા. જમ્મુ કાશ્મીર પોલીસના કહેવા મુજબ વિશ્વસનીય સુત્રો પાસેથી એવી માહિતી મળી હતી કે કેટલાક ત્રાસવાદીઓ પુલવામા દિલ્લાના અવંતીપોરા વિસ્તારમાં છુપાયેલા છે.
બાતમી મળ્યા બાદ તરત જ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સર્ચ ઓપરેશન દરમિયાન છુપાયેલા ત્રાસવાદીઓએ ગોળીબાર કર્યો હતો. જવાબી કાર્યવાહી કરાતા બંને ત્રાસવાદીઓ ઠાર થયા હતા.
એક દિવસ પહેલા જ તોયબાના ત્રાસવાદી નવીદ જટને બડગામ જિલ્લામાં સુરક્ષા દળોની સાથે અછડામણમાં ઠાર કરાયા હતા. વર્ષ ૨૦૧૧માં લશ્કરે તોઇબામાં સામેલ થયા બાદ નવીદ ખીણમાં સક્રિય હતો. તે શ્રીનગરના હૈદરપુરામાં સેના અને સાઉથ કાશ્મીરમાં પોલીસ અને સીઆરપીએફ કેમ્પ પર કરાયેલા હુમલામાં સામેલ હતો. વર્ષ ૨૦૧૪માં તેને પકડી પાડવામાં આવ્યો હતો. નવીદને તોઇબાના કમાન્ડર કાસીમના જમણા હાથ તરીકે ગણવામાં આવતો હતો. કાસીમને સુરક્ષા દળોએ ૨૦૧૫માં કુલગામમાં ઠાર કરી દેવાયો હતો. જમ્મુ કાશ્મીરના બડગામમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ભીષણ અથડામણ થઇ હતી. તેના અંગે એમ કહેવામાં આવે છે કે, આ ખુબ જ કુખ્યાત ત્રાસવાદી હતો. તે બાળકોની હત્યામાં પણ સીધીરીતે સંડોવાયેલો હતો. નવીદ મોસ્ટ વોન્ટેડ ત્રાસવાદી હતો. છેલ્લા ૧૦ મહિનાના ગાળામાં જ ૨૩૦થી વધ ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. ઓપરેશન ઓલઆઉટના પરિણામ સ્વરુપે આતંકવાદીઓની કમર તુટી ગઈ છે.